News of Sunday, 28th December 2025
સાવધાન! રાયપુરમાં 'નકલી ઈ-ચલણ' મોકલી ઉદ્યોગપતિનું બેંક ખાતું સાફ, એક જ ઝાટકે રૂ.10 લાખની છેતરપિંડી
વોટ્સએપ પર આવેલી એક નાનકડી .apk ફાઈલે ખેલ પાડ્યો: સ્વિચ ગિયરના વેપારીનો મોબાઈલ હેક કરી ગઠિયાઓએ લાખો રૂપિયા તારવી લીધા, ટ્રાન્સપોર્ટના નામે મોકલાયેલી લિંકથી સાયબર એટેક

રાયપુર: રૂ.છત્તીસગઢની રાજધાની રાયપુરમાં હાઇટેક સાયબર ક્રાઇમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિને 'ઈ-ચલણ'ના નામે જાળમાં ફસાવી રૂ.10 લાખનો ચૂનો લગાવવામાં આવ્યો છે. રાયપુરના ફફાડીહ વિસ્તારમાં રહેતા અને 'પટેલ સ્વિચ ગિયર' નામની પેઢી ચલાવતા પંકજ પટેલ નામના વેપારી આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. સાયબર અપરાધીઓએ એટલી સિફતપૂર્વક આ કાંડ પાર પાડ્યો કે વેપારીને ખબર પડે તે પહેલા જ તેમના HDFC બેંક ખાતામાંથી મોટી રકમ ઉપડી ગઈ હતી. ગંજ પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ છેતરપિંડીની શરૂઆત ૧૮ ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે પંકજ પટેલના વોટ્સએપ પર 'રમેશ ગતિ ટ્રાન્સપોર્ટ'ના નામે એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં 'RTO E-CHALLAN.apk' નામની એક ફાઇલ એટેચ કરવામાં આવી હતી. ૧૯ ડિસેમ્બરના રોજ જેવી વેપારીએ આ ફાઇલ પર ક્લિક કરી, કે તરત જ તેમનો આખો મોબાઈલ ફોન હેકર્સના કબજામાં આવી ગયો હતો. આ કોઈ સામાન્ય ફાઇલ નહીં પણ એક ખતરનાક વાયરસ (Malware) હતો, જેણે ફોનમાં રહેલી બેંકિંગ વિગતો અને પાસવર્ડ ચોરી લીધા હતા. ૨૨ ડિસેમ્બરના રોજ બપોરે ૧૨ વાગ્યે ગઠિયાઓએ પોતાના ખેલ શરૂ કર્યો અને બે અલગ-અલગ IMPS ટ્રાન્ઝેક્શન દ્વારા પાંચ-પાંચ લાખ મળી કુલ ૧૦ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
જેવા મોબાઈલમાં મેસેજ આવ્યા, પંકજ પટેલના હોશ ઉડી ગયા હતા. તેઓ તરત જ બેંક દોડી ગયા અને પોતાનું એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે તેમણે રમેશ ગતિ ટ્રાન્સપોર્ટનો સંપર્ક કર્યો, ત્યારે જાણવા મળ્યું કે તે ટ્રાન્સપોર્ટરનો ફોન પણ હેક થયો હતો અને તેના ખાતામાંથી પણ ૪ લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. એટલે કે હેકર્સે ટ્રાન્સપોર્ટરના હેક થયેલા મોબાઈલનો ઉપયોગ કરીને વેપારીને આ ઘાતક લિંક મોકલી હતી, જેથી વેપારીને કોઈ શંકા ન જાય. આ પદ્ધતિને સાયબર જગતમાં અત્યંત જોખમી માનવામાં આવે છે.
હાલમાં પોલીસે સાયબર ક્રાઈમ પોર્ટલ પર મળેલી ફરિયાદ અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે તેની વિગતો મેળવી રહી છે. આ ઘટનાએ ઓનલાઈન બેંકિંગ કરતા તમામ લોકો માટે ચેતવણીની ઘંટડી વગાડી છે. નિષ્ણાતોના મતે, ક્યારેય પણ અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ પણ .apk ફાઈલ ડાઉનલોડ કરવી જોઈએ નહીં, કારણ કે તે તમારા મોબાઈલને રિમોટ કંટ્રોલ બનાવી શકે છે. રાયપુર પોલીસ હવે આંતરરાજ્ય સાયબર ગેંગની આશંકા વ્યક્ત કરી રહી છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
