<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

અમેરિકામાં વિદેશી નાગરિકોની સુરક્ષા માટે નવા બાયોમેટ્રિક નિયમો લાગુ

ગ્રીન કાર્ડ ધારકો સહિત તમામ બિન-નાગરિકો માટે યુએસ પ્રવેશ કે બહાર નીકળતી વખતે બાયોમેટ્રિક તપાસ ફરજિયાત

અમેરિકામાં વિદેશી નાગરિકોની સુરક્ષા અને ઓળખ ચકાસણી માટે નવા પ્રવેશ અને બહાર નીકળવાના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ ફેરફારો ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરવા કે કામ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને કામદારો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અમેરિકી સરકાર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ઇમિગ્રેશન પ્રક્રિયામાં સતત સુધારાઓ કરી રહી છે. 

આ નવા નિયમો મુજબ, 26 ડિસેમ્બરથી ગ્રીન કાર્ડ ધારકો સહિત તમામ બિન-નાગરિકો માટે બાયોમેટ્રિક તપાસ ફરજિયાત કરવામાં આવી છે. આ તપાસ એરપોર્ટ, દરિયાઈ બંદરો અને જમીન સરહદો સહિત તમામ સરહદી પ્રવેશ બિંદુઓ પર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ, કામદારો અને અન્ય બિન-નાગરિકોને અમેરિકામાં પ્રવેશ કરતી વખતે અથવા બહાર નીકળતી વખતે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

આગામી વર્ષ 2026માં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા જશે તેવી શક્યતા છે. તે સાથે ભારતીય કામદારો પણ નોકરી માટે અમેરિકામાં પ્રવેશ કરશે. આવા સમયમાં નવા નિયમોની જાણકારી હોવી ખૂબ જરૂરી બની જાય છે, જેથી પ્રવેશ અને બહાર નીકળવાની પ્રક્રિયા સરળ બની શકે. ગ્રીન કાર્ડ ધારકો માટે પણ આ નિયમો એટલા જ લાગુ પડે છે.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટકાળ દરમિયાન વિદેશી નાગરિકો માટેના ઇમિગ્રેશન નિયમોમાં સતત ફેરફાર કરવામાં આવ્યા છે. બાયોમેટ્રિક એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમ પણ એ જ શ્રેણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ સાથે H-1B વિઝા નિયમોમાં થયેલા ફેરફારો પણ વિદેશી કામદારો માટે મહત્વપૂર્ણ સાબિત થયા છે.

હવે, જો કોઈ વિદ્યાર્થી અથવા કામદારો યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરે છે, તો યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) અધિકારીઓ તેમનો ફોટોગ્રાફ લેશે. જરૂર જણાય તો ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ સ્કેન પણ લેવામાં આવશે, જેથી મુસાફરી દસ્તાવેજો સાથે વ્યક્તિની ઓળખ મેળ ખાઈ શકે. આ સમગ્ર પ્રક્રિયા એ સુનિશ્ચિત કરવા માટે છે કે વિઝા ધારક અને પ્રવેશ કરનાર વ્યક્તિ એક જ છે.

આ નિયમો હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 79 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ બાયોમેટ્રિક વિગતો આપવી પડશે. અગાઉ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમુક સરહદી સ્થળોએ આ પ્રક્રિયા અમલમાં હતી, પરંતુ હવે તેને દેશવ્યાપી રીતે ફરજિયાત બનાવવામાં આવી છે 

(8:14 PM IST)