<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

રેલવેની ન્યૂ યર ગિફ્ટ: હવે ટિકિટ કેન્સલ કર્યા વગર બદલી શકશો મુસાફરીની તારીખ : એક રૂપિયો પણ ચાર્જ નહીં લાગે!

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત: જાન્યુઆરી 2026થી અમલમાં આવશે નવો નિયમ : IRCTC એપ પર સીધો જ મળશે તારીખ બદલવાનો વિકલ્પ : રિફંડ પ્રક્રિયા પણ થશે સરળ.

નવી દિલ્હી: ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા કરોડો મુસાફરો માટે નવા વર્ષ 2026ની શરૂઆત ખૂબ જ શાનદાર રહેવાની છે. અત્યાર સુધી જો તમારો મુસાફરીનો પ્લાન બદલાય, તો કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવીને ભારે 'કેન્સલેશન ચાર્જ' ચૂકવવો પડતો હતો, પરંતુ હવે રેલવે આ માથાકૂટનો કાયમી ઉકેલ લાવી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, હવે મુસાફરો પોતાની કન્ફર્મ ટિકિટની તારીખ કોઈ પણ વધારાના ક્લાર્કેજ ચાર્જ વગર ઓનલાઈન બદલી શકશે. આ સુવિધા સીધી જ IRCTCની વેબસાઈટ અને મોબાઈલ એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી મુસાફરોને બુકિંગ કાઉન્ટર સુધી દોડવું નહીં પડે.

આ નવી સિસ્ટમ હેઠળ, જો તમારી પાસે દિલ્હીથી કોઈ અન્ય શહેરની કન્ફર્મ ટિકિટ હોય અને સંજોગોવશાત તમારે 2-3 દિવસ પછી મુસાફરી કરવી હોય, તો તમારે જૂની ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી. તમે એ જ ટિકિટ પર નવી તારીખ પસંદ કરી શકશો. જો નવી તારીખનું ભાડું જૂની ટિકિટ કરતા ઓછું હશે, તો તફાવતની રકમ તમને રિફંડ મળશે અને જો ભાડું વધુ હશે, તો માત્ર તફાવતની રકમ જ ચૂકવવી પડશે. જોકે, મુસાફરોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે નવી તારીખે સીટની ઉપલબ્ધતાના આધારે જ કન્ફર્મ બર્થ મળશે.

આ ક્રાંતિકારી સુવિધા જાન્યુઆરી 2026 થી અમલમાં આવવાની છે, જેનો મુખ્ય હેતુ મધ્યમ વર્ગના મુસાફરો પર આર્થિક બોજ ઘટાડવાનો છે. હાલમાં આ નિયમ માત્ર ઈ-ટિકિટ અને કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો માટે જ છે, જ્યારે વેઈટિંગ લિસ્ટની ટિકિટો માટે જૂના નિયમો યથાવત રહેશે. રેલવેના આ નિર્ણયથી ખાસ કરીને એવા લોકો ને ફાયદો થશે જેમના પ્લાન છેલ્લી ઘડીએ બદલાતા હોય છે. ડિજિટલ ઈન્ડિયાના વિઝન સાથે જોડાયેલો આ ફેરફાર રેલવે મુસાફરીને વધુ લવચીક અને ગ્રાહક-લક્ષી બનાવશે તે નક્કી છે.

(9:12 PM IST)