તા. ૧૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૧ શનિવાર
કોંગ્રેસના 140મા સ્થાપના દિવસે ખડગેની ‘ગર્જના’: "સત્તા જાય તો ભલે જાય, પણ સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ!"
દિલ્હીના ઇન્દિરા ભવનમાં ભવ્ય ઉજવણી: મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન: કોંગ્રેસને ‘ભારતનો આત્મા’ ગણાવી બંધારણના રક્ષણ માટે આરપારની લડાઈના એંધાણ આપ્યા

નવી દિલ્હી: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 140મા સ્થાપના દિવસ નિમિત્તે દિલ્હીમાં પક્ષના મુખ્ય મથક ‘ઇન્દિરા ભવન’ ખાતે ભારે ઉત્સાહ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ધ્વજવંદન બાદ કાર્યકરોને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ભલે આજે પાર્ટી સત્તામાં નથી, પણ તે નબળી પડી હોવાનું માનવાની ભૂલ કોઈ ન કરે. ખડગેએ ગર્વભેર જણાવ્યું કે, કોંગ્રેસ ક્યારેય નફરત કે ધર્મના નામે મતોની ખેતી કરતી નથી. તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો કે જેઓ આજે ઇતિહાસ શીખવવાની વાતો કરે છે, તેમના પૂર્વજો ઇતિહાસના પૃષ્ઠો પર ક્યાંય નહોતા.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ પ્રસંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા અને સ્ટેજ પરથી જાહેર કર્યું કે કોંગ્રેસ માત્ર એક રાજકીય સંગઠન નથી, પરંતુ તે દેશના વંચિતો, મજૂરો અને અવાજ વગરના લોકોનો અવાજ છે. રાહુલે પ્રતિજ્ઞા લીધી કે તેઓ બંધારણને સરમુખત્યારશાહી અને અન્યાયથી બચાવવા માટે લોહીનું છેલ્લું ટીપું રેડવા તૈયાર છે. તેમણે કાર્યકરોમાં નવો જોમ ફૂંકતા કહ્યું કે, કોંગ્રેસ એક વિચારધારા છે અને વિચારધારાઓને ક્યારેય કોઈ શક્તિ દબાવી શકતી નથી.
કાર્યક્રમ દરમિયાન ખડગેએ ભાજપ સરકાર પર ડેટા છુપાવવાનો, વસ્તી ગણતરી અટકાવવાનો અને બંધારણ સાથે ચેડાં કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે લોકશાહીના મૂલ્યોની રક્ષા માટે એક મજબૂત સંગઠન તરીકે કોંગ્રેસ સદાય અડીખમ રહેશે. સ્થાપના દિવસની આ ઉજવણી માત્ર એક ઉત્સવ ન બની રહેતા, આગામી ચૂંટણીઓ અને રાજકીય સંઘર્ષ માટે રણશિંગુ ફૂંકવા સમાન બની રહી હતી. દેશભરના કોંગ્રેસ કાર્યકરોમાં આ નિવેદનોથી ફરી એકવાર ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
