<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

ફિલ્‍મી લવસ્‍ટોરીઃ ટ્રેનમાં ભીખ માગતી છોકરી સાથે થઈ ગયો પ્રેમ

પહેલા ગુંડાઓથી બચાવી પછી સાત ફેરા લઈ જીવનસાથી બનાવી

શાહજહાંપુર તા.૨૯: કહેવાય છે ને કે, પ્રેમ આંધળો હોય છે. પ્રેમનો કંઈક આવો જ કિસ્‍સો શાહજહાંપુરથી સામે આવ્‍યો છે. ટ્રેનમાં ભીખ માંગીને ગુજરાન ચલાવતી છોકરી સાથે ગોલૂને એવો પ્રેમ થયો કે સીધો જ છોકરી સામે લગ્નનો પ્રસ્‍તાવ રાખી દીધો. પહેલા તો છોકરીને વિશ્વાસ થયો નહીં, પરંતુ જ્‍યારે ગોલૂએ પોતાના ઘરના લોકો સાથે વાત કરાવવાનું કહ્યું તો છોકરી સાથે ચાલવા માટે તૈયાર થઈ ગઈ. આવો જાણીએ કે આખરે આ પ્રેમ કહાનીની શરૂઆત કેવી રીતે થઈ.

શાહજહાંપુરના ગોલૂ અને તેની દુલ્‍હનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર મળેલી જાણકારી અનુસાર શાહજહાંપુરનો રહેવાસી ગોલૂ કોઈ કામ માટે દિલ્‍હી જઈ રહ્યો હતો. મુસાફરી દરમિયાન તેણે ટ્રેનમાં એક ભીખ માગતી છોકરીને જોઈ. જેના કેટલાક છોકરા હેરાન કરી રહ્યાં હતા.

છોકરીને પરેશાન જોઈને ગોલૂ તેને બચાવવા વચ્‍ચે પડ્‍યો. તેણે યુવકોનો વિરોધ કર્યો અને જોતજોતામાં આ વિરોધ ઝઘડા સુધી પહોંચી ગયો. ઝઘડો મોટો થતો જોયો તો છોકરીએ ગોલૂને કહ્યું કે, આ તો મારી સાથે રોજ થાય છે. તમે ક્‍યાં સુધી અને કોની કોની સાથે ઝઘડો કરશો?

છોકરીની આ વાત ગોલૂના દિલને સ્‍પર્શી ગઈ. તેણે જ્‍યારે છોકરી સાથે વાતચીત કરી તો ખબર પડી કે, તે અનાથ છે અને આવી રીતે ભીખ માગીને પોતાનું ગુજરાન કરે છે. છોકરીની વાત સાંભળી અને તેની સાદગીને જોઈને ગોલૂને તેની સાથે પ્રેમ થઈ ગયો. એટલું જ નહીં, એ જ સમયે છોકરીને લગ્ન માટે પ્રપોઝ કરી દીધો. ગોલૂએ છોકરીને પોતાના સાથે પોતાના ઘરે લઈ જવાની વાત કહી.

અચાનક લગ્નનો પ્રસ્‍તાવ અને અજાણ્‍યા વ્‍યક્‍તિની સાથે જવા માટે છોકરી તૈયાર નહોતી. છોકરીને ગોલૂ પર વિશ્વાસ નહોતો. તેણે વિશ્વાસ અપાવવા માટે ગોલૂએ પોતાના ઘરવાળા સાથે ફોન પર વાત કરાવી અને ભરોસો અપાવ્‍યો. ત્‍યારે છોકરી તેની સાથે જવા તૈયાર થઈ.

હવે સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની વિધિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં છોકરી પીળી સાડી પહેરી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ બંનેના વખાણ કરી રહ્યાં છે અને ગોલૂના સાદગીપૂર્ણ અંદાજને એક પ્રેરણાના રૂપે જોઈ રહ્યાં છે. 

(9:48 AM IST)