<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

પોલીસની ધોંસઃ આયોજકોએ થર્ટી ફર્સ્‍ટ માટે ડાન્‍સરો સાથે પાર્ટીઓ ‘ગોઠવી' દીધી

દિલ્‍હી, મુંબઇ, કોલકાતા, નોર્થ ઇસ્‍ટમાંથી અસંખ્‍ય લલનાઓ અમદાવાદમાં આવી પહોંચીઃ રાજસ્‍થાનના ફાર્મહાઉસ સૌથી વધુ પાર્ટીઓના આયોજન ગોઠવાયું : નવા વર્ષને યાદગાર બનાવવા કેટલાક નબીરાઓએ શરાબ અને શબાબનું મેનેજમેન્‍ટ પહેલાંથી જ ગોઠવી દીધું: દલાલો એક દિવસના ૨૫થી લઇ ૪૦ હજાર સુધી ગ્રાહકો પાસે વસૂલી રહ્યાં છે

અમદાવાદ તા.૨૯: ૩૧ ડિસેમ્‍બરને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્‍યારે વર્ષનો અંતિમ દિવસ યાદગાર રીતે ઉજવવા માટેની તૈયારીઓ યુવાધને કરી દીધી છે. પાર્ટી કલ્‍ચરમાં યુવતીઓ જરૂરી છે ત્‍યારે નવા વર્ષને યોદગાર બનાવવા કેટલાક નબીરાઓએ શરાબ અને શબાબનું મેનેજમેન્‍ટ પહેલાંથી જ ગોઠવી દીધું છે. આ વખતે અમદાવાદથી દૂર ફાર્મ હાઉસોમાં ખાનગી પાર્ટીઓનું આયોજન ગોઠવાઇ ગયું છે. ઉપરાંત અમદાવાદના હાઇપ્રોફાઇલ દલાલોએ મુંબઇ, દિલ્‍હી, નોર્થ ઇસ્‍ટ, થાઇથી લઇ રશિયન સુધીની લલનાઓ અમદાવાદમાં કારોબાર માટે બોલાવી લીધી છે. જ્‍યારે મુંબઇ, દિલ્‍હીની બાર ડાન્‍સરોનો પાર્ટી માટે અમદાવાદમાં જમવાડો થઇ ગયો છે. પોલીસની ધોંશના કારણે આ વખતે ગુજરાત બોર્ડર નજીકના રાજસ્‍થાનના ફાર્મહાઉસ સૌથી વધુ પાર્ટીઓ ગોઠવાઇ હોવાનું જાણવા મળ્‍યું છે. તેમ નવ ગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.

નવા વર્ષની ઉજવણી માટે શરાબ અને શબાબ મહેફીલના શોખીન માલેતુજારાઓએ મહિના પહેલાં જ પાર્ટીનું આયોજન ગોઠવી દીધું હતું. ઉપરાંત શહેરમાં સંખ્‍યાબંધ જગ્‍યાએ કપલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ વખતે અમદાવાદમાં પોલીસની ધોંશ હોવાને કારણે નવા વર્ષની ઉજવણી માટે શરાબ અને શબાબ મહેફિલના શોખીન માલેતુજારાઓએ પખવાડિયા પહેલાં જ પાર્ટીનું આયોજન ગોઠવી દીધું છે. ઉપરાંત પાર્ટી માટે લલના લાવવાનો કોન્‍ટ્રાક્‍ટ પણ આપી દીધો હતો. પોતાના બજેટ મુજબ દલાલોએ મુંબઇ, દિલ્‍હી, થાઇ અને રશિયન યુવતીઓ મંગાવી આપી હોવાનું દલાલે નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું. દલાલે જણાવ્‍યું છે કે, આ વખતે સિટીમાં જુદી જુદી જગ્‍યાએ મહેફિલ પર પોલીસે ધોંશ બોલાવી છે ત્‍યારે દૂર અંતરિયાળ વિસ્‍તારમાં બની રહેલી નવી સ્‍કીમમાં મકાનો ભાડે રાખી ઓછા લોકો ભેગા થઇ આવી પાર્ટીઓનું આયોજન થઇ ચુક્‍યું છે. ૩૧ ડિસેમ્‍બર બપોર સુધી જ લલના, દારૂ સહિતનો સામાન નિયત જગ્‍યાએ પહોંચાડી દેવામાં આવશે અને ત્‍યારબાદ નવા વર્ષના વધામણાની પાર્ટી કરવામાં આવશે.  

તેણે વધુમાં જણાવ્‍યું હતું કે, પાર્ટી માટે શહેરમાં દિલ્‍હી, મુંબઇ, રશિયા, કોલકત્તા સહિતના શહેરોમાંથી  રૂપલલનાઓ અમદાવાદ આવી પહોંચી છે. લલનાઓનો પ્રોગ્રામ દલાલોએ પહેલાંથી જ ફિક્‍સ કરી દીધો છે અને તેઓ ૩૧ ડિસેમ્‍બરના રોજ સવારથી જ જે તે જગ્‍યાએ પહોંચાડી દેવામાં આવશે. આ માટે દલાલો એક દિવસના ૨૫થી લઇ ૪૦ હજાર સુધી ગ્રાહકો પાસે વસૂલી રહ્યાં છે. દલાલોએ વોટ્‍સએપ પર ફોટો ગ્રાહકોને મોકલી લલનાઓ નક્કી કરી લીધી છે. 

પોલીસ દારૂની પાર્ટીઓ પર ધોંશ બોલાવે છે. તે માટે ગુજરાત બોર્ડર નજીક રાજસ્‍થાનના વિવિધ નાના મોટા ફાર્મ હાઉસો પાર્ટી માટે પહેલાંથી જ બુક કરી દેવાયા છે. ઉપરાંત ૩૧ ડિસેમ્‍બરની ઉજવણી કરવા માટે ૭ દિવસ પહેલાંથી જ તમામ વ્‍યવસ્‍થાઓ ગોઠવી દેવામાં આવી હોવાનું ખુલ્‍યું છે. આ ઉપરાંત ગુજરાત બોર્ડરની આસપાસ આવેલી હોટલસમાં પણ ગુજરાતીઓનું ખાસુ બુકિગ હોવાનું જાણવા મળ્‍યું છે.

દલાલો અને લલનાઓ પોલીસથી બચવા માટે સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે. ગ્રાહકોને વોટ્‍સએપ પર ફોટા નાખ્‍યા બાદ તેઓ વોટ્‍સએપ કોલિગથી જ વાતો કરે છે તેથી પોલીસથી બચી શકાય. આ ઉપરાંત ફેસબુક પર પણ કેટલાક પેજો બનાવ્‍યા છે જેમાં પણ તેઓ સિલેક્‍ટેડ ગ્રાહકોનો સંપર્ક કરે છે. પરંતુ સામેથી કોઇ તેમનો સંપર્ક કરે તો તેમને ઇનકાર કરી દે છે. આમ પોલીસથી બચી શકાય અને ગ્રાહકો પણ સેફ રહે તે માટે દલાલો જોરશોરથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થઇ ગયા છે.

દલાલોના કહેવા મુજબ, મજબૂરી કરતા પોતાના હાઇ પ્રોફાઇલ મોજ શોખ પૂરા કરવા આ ધંધામાં વધુ યુવતીઓ આવે છે. આ રેશિયો ૭૦-૩૦નો હોય છે. જેમાં ૩૦ ટકા જ યુવતી પોતાની મજબૂરીના કારણે આવે છે. દિલ્‍હી-મુંબઇમાં રહેતી યુવતીઓ મોજ શોખ માટે આવતી હોય છે. જેમાં ઘણી મોડલ પણ હોય છે. ઉપરાંત અભ્‍યાસ કરતી યુવતીઓ પણ હોય છે જે મહિનામાં દસ દિવસ કોન્‍ટ્રાક્‍ટ પર આવી ૧ થી૧.૫૦ લાખ કમાઇ લે છે અને પોતાના શોખ પૂરા કરે છે.

સામાન્‍ય રીતે પહેલાં ગાંજો પીતા યુવકો સિગારેટ લઇ તે ખાલી કરી તેમાં ભરી પીતા હતા. પરંતુ છેલ્‍લા કેટલાક દિવસોથી શહેરના મોટા ભાગના વિસ્‍તારમાં સિગારેટના ખાલી કેશ(ગોગો) પર પોલીસ ત્રાટકી છે. આમ છતાં ગોગો બજારમાં મળી રહ્યાં છે. જેમાં ગાંજો ભરવા માટે ખાસ ફિલ્‍ટર પણ આપવામાં આવે છે. જેથી સરળતાથી યુવકો ખાલી સિગારેટમાં ભરી શકે છે અને અંદર ગાંજો ભર્યો હોય અને પકડાઇ જાય તો પણ કોઇને ખબર પડતી નથી.

આ વર્ષે ડ્રગ્‍સ, ગાંજા સહિતના નશીલા પદાર્થ પર પોલીસે ધોંશ વધારી છે. છેલ્‍લા કેટલાક વર્ષોની સરખામણીએ આ વર્ષે એનડીપીએસના કેસો અને મોટી માત્રામાં ડ્રગ્‍સ કબજે કરવામાં આવ્‍યું છે. ત્‍યારે આ વર્ષે ૩૧ ડિસેમ્‍બરની પાર્ટી માટે દારૂની સાથે સાથે એમડી ડ્રગ્‍સ, વીડ, ગાંજાની બોલબાલા વધી છે. ડ્રગ્‍સના પેડલરોએ જુદી જુદી જગ્‍યાએ માદક પ્રદાર્થ ભેગા કરી લીધા છે અને ૩૧ ડિસેમ્‍બરની પાર્ટી માટે યુવકોને પણ પહોંચાડી દીધા છે. પોલીસથી બચવા માટે જ્‍યાં પાર્ટીનું આયોજન કરવાનું હોય તે જગ્‍યાએ જ પહેલાંથી જ એમડી ડ્રગ્‍સ, વીડ, ગાંજો સહિતના પદાર્થ મૂકી દેવામાં આવ્‍યા છે. બીજી તરફ પોલીસની ધોંશ વધતા અને ૩૧ ડિસેમ્‍બર આવતા એમડીના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો થયો છે. શહેરમાં પહેલાં એક ગ્રામ એમડી ડ્રગ્‍સની કિમત ૨૫૦૦થી ૩૦૦૦ હજાર સુધી હતી. જે વધીને ૩૫૦૦થી ૪૦૦૦ સુધી પહોંચી ગઇ હોવાનું સૂત્રો જણાવ્‍યું છે

 

(10:37 AM IST)