<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર: હવાઈ વ્યવહાર ખોરવાયો: ૧૭૦ ફ્લાઈટ્સ લેટ: વિઝિબિલિટી ૫૦ મીટરથી ઓછી: રેલવે વ્યવહારને પણ માઠી અસર

આગામી થોડા દિવસો સુધી આ સ્થિતિ યથાવત રહેવા આગાહી: પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને કોલ્ડવેવ: મેદાની વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો: ધુમ્મસનું પ્રમાણ વધ્યું

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં સોમવારે સવારે ગાઢ ધુમ્મસને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખરાબ હવામાન અને વિઝિબિલિટી ઘટવાને કારણે દિલ્હી એરપોર્ટ પર ૧૭૦ જેટલી ફ્લાઈટ્સના શિડ્યુલ ખોરવાઈ ગયા છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

સોમવારે વહેલી સવારથી જ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને પંજાબના મોટાભાગના વિસ્તારો ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી ૫૦ મીટર કરતા પણ ઓછી નોંધાઈ હતી.

 

એરપોર્ટ પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સવાર સુધીમાં કુલ ૧૭૦ ફ્લાઈટ્સ પર અસર પડી છે. જેમાં દિલ્હી આવતી ૪૮ ફ્લાઈટ્સ અને અહીંથી ઉપડતી ૧૨૨ ફ્લાઈટ્સ મોડી પડી છે. જોકે, અત્યાર સુધી કોઈ ફ્લાઈટ રદ થયાના સમાચાર નથી, પરંતુ અનેક ફ્લાઈટના રૂટ ડાયવર્ટ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

 

દિલ્હી એરપોર્ટ દ્વારા મુસાફરો માટે ખાસ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ધુમ્મસને કારણે 'કેટ-થ્રી' કેટેગરીમાં ન આવતી હોય તેવી ફ્લાઈટ્સના ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. 

 

મુસાફરોને એરપોર્ટ જવા નીકળતા પહેલા સંબંધિત એરલાઈન્સ સાથે સંપર્ક કરીને ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી લેવા વિનંતી કરવામાં આવી છે.

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી આ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષા અને શીતલહેરને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો છે અને ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે. 

 

માત્ર હવાઈ વ્યવહાર જ નહીં, પરંતુ રેલવે વ્યવહાર પર પણ તેની માઠી અસર પડી છે. ઉત્તર ભારત તરફ જતી અને આવતી અનેક ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના રસ્તાઓ પર પણ વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી અને ડ્રાઈવરોએ દિવસે પણ હેડલાઈટ ચાલુ રાખવી પડી હતી.

 

(11:32 AM IST)