News of Monday, 29th December 2025
ઉન્નાવ રેપ કેસ: ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જેલમુક્તિ પર રોક: સુપ્રીમ કોર્ટે હવે આ કેસની મેરિટ પર ફરીથી ગંભીરતાપૂર્વક સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે, ત્યાં સુધી સેંગરને જેલમાં જ રહેવું પડશે: ચીફ જસ્ટિસ સૂર્યકાન્તનું અવલોકન: 'હાઈકોર્ટના જજો શ્રેષ્ઠ છે, પણ કાયદાના અર્થઘટનમાં કોર્ટથી ભૂલ થઈ શકે છે': ધારાસભ્ય 'પબ્લિક સર્વન્ટ' ગણાય કે કેમ? સુપ્રીમ કોર્ટે પોક્સો એક્ટ હેઠળ મહત્ત્વનો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કર્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ૨૦૧૭ના ચકચારી ઉન્નાવ રેપ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને મોટી રાહત આપવાનો ઇનકાર કરતા તેમની મુક્તિ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે અગાઉ સેંગરની સજા સ્થગિત કરીને તેમને જામીન આપ્યા હતા, જેની સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ (સીજેઆઈ) સૂર્ય કાન્તની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરતા મહત્વની ટિપ્પણી કરી હતી. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, "પ્રામાણિકપણે કહું તો, આ કેસમાં ચુકાદો આપનાર હાઈકોર્ટના જજો શ્રેષ્ઠ જજોમાંના એક છે... જોકે, કાયદાની જોગવાઈઓના અર્થઘટનની વાત આવે ત્યારે આપણા બધાથી ભૂલો થવાની સંભાવના રહેલી છે."
સર્વોચ્ચ અદાલતે પોક્સો એક્ટ હેઠળ 'પબ્લિક સર્વન્ટ' (જાહેર સેવક)ની વ્યાખ્યા અંગે ગંભીર કાયદાકીય સવાલ ઉઠાવ્યો હતો. ચીફ જસ્ટિસ સૂર્ય કાન્તે અવલોકન કર્યું હતું કે, "જો દિલ્હી હાઈકોર્ટનું અર્થઘટન માન્ય રાખીએ, તો એક પટવારી કે મામલતદાર પોક્સો કાયદા હેઠળ પબ્લિક સર્વન્ટ ગણાય, પરંતુ એક ચૂંટાયેલા ધારાસભ્ય (એમએલએ) નહીં... આ બાબત ગંભીર વિચારણા માંગી લે તેવી છે."
સુપ્રીમ કોર્ટે હવે આ કેસની મેરિટ પર ફરીથી ગંભીરતાપૂર્વક સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે, ત્યાં સુધી સેંગરને જેલમાં જ રહેવું પડશે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
