<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

અરવલ્લી વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ‘યુ-ટર્ન': પોતાના જ આદેશ પર લગાવી રોક

કેન્‍દ્ર અને રાજ્‍યોને નોટિસઃ CJI સૂર્યકાંતની બેન્‍ચે હાઈ-પાવર કમિટીની કરી રચનાઃ ૨૧ જાન્‍યુઆરીએ વધુ સુનાવણી ભૂમાફિયાઓ અને પર્યાવરણવાદીઓ વચ્‍ચેના જંગમાં નવો વળાંક

નવી દિલ્‍હી, તા.૨૯: ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લીના અસ્‍તિત્‍વને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં એક મોટો વળાંક આવ્‍યો છે. મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્‍ચે ગત ૨૦ નવેમ્‍બરના રોજ આપેલા પોતાના જ ઐતિહાસિક નિર્ણય પર હાલ પૂરતો સ્‍ટે લગાવી દીધો છે. અગાઉ કોર્ટે પર્વતોની એક સમાન વ્‍યાખ્‍યા નક્કી કરી હતી, જે મુજબ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને અરવલ્લી માનવામાં આવી હતી. આ વ્‍યાખ્‍યા પર સ્‍ટે આવતા હવે દિલ્‍હી, હરિયાણા, રાજસ્‍થાન અને ગુજરાતમાં ફેલાયેલી આ પર્વતમાળામાં થતા ખાણકામ અને વન સંરક્ષણના નિયમો ફરી એકવાર કાનૂની ગૂંચવાડામાં ફસાઈ ગયા છે.

કોર્ટે આ વખતે વધુ સાવચેતીભર્યું વલણ અપનાવતા જણાવ્‍યું છે કે આ મામલો પર્યાવરણીય રીતે અત્‍યંત સંવેદનશીલ હોવાથી ઉતાવળમાં નિર્ણય લેવો યોગ્‍ય નથી. CJI સૂર્યકાંતે એક ઉચ્‍ચ-સ્‍તરીય નિષ્‍ણાત સમિતિ બનાવવાનો પ્રસ્‍તાવ મૂકયો છે. આ સમિતિનું કામ એ તપાસવાનું રહેશે કે અરવલ્લીના કયા વિસ્‍તારોને સુરક્ષિત રાખવા અને કયા વિસ્‍તારોને બાકાત કરવાથી પર્વતમાળાના કુદરતી સંતુલનને નુકસાન નહીં પહોંચે. જ્‍યાં સુધી આ નવી સમિતિની રચના ન થાય અને તેનો અહેવાલ ન આવે, ત્‍યાં સુધી ૨૦ નવેમ્‍બરના નિર્દેશો અમલમાં રહેશે નહીં. કોર્ટે કેન્‍દ્ર અને સંબંધિત ચાર રાજ્‍યો પાસેથી ૨૧ જાન્‍યુઆરી સુધીમાં લેખિત જવાબ માંગ્‍યો છે.

આ કેસ માત્ર પર્યાવરણીય નથી રહ્યો પણ હવે રાજકીય અખાડો બની ગયો છે. કોંગ્રેસે ભાજપ શાસિત રાજસ્‍થાન અને કેન્‍દ્ર સરકાર પર આક્રમક પ્રહારો કર્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર ખાણકામ કરતી મોટી કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે અરવલ્લીની વ્‍યાખ્‍યા બદલાવી રહી છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જો ૧૦૦ મીટરથી નીચેની ટેકરીઓને અરવલ્લીની શ્રેણીમાંથી બહાર કાઢવામાં આવશે, તો ભૂમાફિયાઓ આખા પર્વતો ખોદી નાખશે, જેનાથી ઉત્તર ભારતનું પર્યાવરણીય કવચ તૂટી જશે. કોંગ્રેસે તેને સૌથી મોટું ખાણકામ કૌભાંડ ગણાવીને જન આંદોલનની પણ ચીમકી આપી છે.

(2:45 PM IST)