News of Monday, 29th December 2025
ચાંદીમાં સતત તેજી બાદ કડાકોઃ ૧૦૦૦૦ રૂા. તૂટયા
ચાંદી ૧ કિલોના ભાવ ર,પ૪,૦૦૦ હતા તે ઘટીને ર,૪પ,૦૦૦ રૂા. થયા : સોનામાં ૧પ૦૦ રૂા. ઘટતા ભાવ તૂટીને ૧,૪૧,પ૦૦ રૂા. થયા : શનિવારે બંધ બજારે ચાંદીના ભાવ ૮૦૦૦ વધીને ર,૬ર,૦૦૦ થયા બાદ ભાવ ફરી ઘટીને ર,પ૪,૦૦૦ રૂા. થઇ ગયા હતા : ટોચેથી ચાંદીના ભાવમાં ૧૭,૦૦૦ રૂા. નું ગાબડુ

રાજકોટ, તા., ૨૯ : બુલીયન માર્કેટમાં શનિવારે ચાંદીના ભાવ ટોચે પહોંચ્યા બાદ આજે બપોરે ભાવમાં ૧૦,૦૦૦ રૂા.નું ગાબડુ પડયું હતું. ટોચેથી ચાંદીમાં કુલ ૧૮,૦૦૦ રૂા. તૂટયા છે. સોનામાં પણ ૧પ૦૦ રૂા. ઘટયા હતા.
બુલીયન માર્કેટમાં આજે સવારે ચાંદીના ભાવો સ્થિર રહયા બાદ બપોરે એકાએક ભાવમાં ગાબડુ પડયું હતું. સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૧૦૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. ચાંદી ૧ કિલોના ભાવ ર,પ૪,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ર.૩૦ વાગ્યે ર,૪૪,૦૦૦ રૂા. થયા હતા. શનિવારે ચાંદીના ભાવ ર,પ૪,૦૦૦ રૂા.ની સપાટીએ પહોંચ્યા બાદ બંધ બજારે એક તબક્કે ૮૦૦૦ રૂા.ના ઉછાળા સાથે ર,૬ર,૦૦૦ની ટોચની સપાટી બનાવી હતી. જો કે તુર્ત જ ફરી ૮૦૦૦ રૂા.નો ભાવઘટાડો થયો હતો અને ચાંદીનો ભાવ ર,પ૪,૦૦૦ રૂા. થઇ ગયા હતા.
આજે સવારે ચાંદીના ભાવ સ્થિર રહયા બાદ બપોરે ૧૦,૦૦૦ રૂા.નુ ગાબડુ પડયું હતું.
ચાંદીની સાથે સોનામાં પણ ૧પ૦૦ રૂા. તુટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧પ૦૦ રૂા.નો ઘટાડો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૩,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૪૧,પ૦૦ રૂા. થઇ ગયા હતા. સોનાના બિસ્કીટમાં ૧પ,૦૦૦ રૂા.નુ ગાબડુ પડતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૪,૩૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૪,૧પ,૦૦૦ રૂા. થયા હતા.
ગત સપ્તાહમાં સતત તેજીના તરખાટને પગલે ચાંદીમાં પર,૦૦૦ રૂા.નો તોતીંગ ઉછાળો થયો હતો. અને સોનામાં પ,પ૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. જો કે નવા સપ્તાહના પ્રારંભે સોના-ચાંદીના ભાવમાં ગાબડુ પડયું છે. સતત ભાવવધારાને કારણે આ કરેકશન હોવાનું અને આગામી દિવસોમાં આ બંને કિંમતી ધાતુઓના ભાવમાં તેજી યથાવત જ રહેશે તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું. (૪.૧૪)
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
