હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૦૨૬માં સ્માર્ટફોનના ભાવમાં ૧૫% સુધીનો તોતિંગ વધારો ઝીંકાશે!
મોબાઈલના શોખીનોને ઝટકો મેમરી કમ્પોનન્ટના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો બન્યું મુખ્ય કારણઃ મધ્યમ વર્ગના ખિસ્સા પર પડશે બોજ

નવી દિલ્હી, તા.૨૯: ભારતીય સ્માર્ટફોન બજારમાં આગામી વર્ષ ૨૦૨૬માં ભાવ વધારાનો મોટો વિસ્ફોટ થવા જઈ રહ્યો છે. ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશને લાલબત્તી ધરતા જણાવ્યું છે કે, સ્માર્ટફોન બનાવવામાં વપરાતા મહત્વના મેમરી કમ્પોનન્ટ અને અન્ય હાર્ડવેરના ભાવમાં વૈશ્વિક સ્તરે વધારો થયો છે. જેના પરિણામે ૨૦૨૫માં ૧૦ ટકાના ભાવ વધારા બાદ હવે ૨૦૨૬માં કિંમતોમાં વધુ ૧૦ થી ૧૫ ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. જો તમે ૨૦૨૬માં નવો ફોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો અત્યારથી જ બજેટ વધારી દેવું પડશે અથવા ૨૦૨૫ના અંત સુધીમાં ખરીદી કરી લેવી હિતાવહ રહેશે.
બજારના નિષ્ણાતોના મતે, માત્ર સીધો ભાવ વધારો જ નહીં પણ કંપનીઓએ ગ્રાહકોને અપાતી છૂપી રાહતો પર પણ કાતર ફેરવી દીધી છે. Xiaomi, Realme, Oppo અને Vivo જેવી લોકપ્રિય બ્રાન્ડ્સે તેમના સૌથી વધુ વેચાતા મોડેલ્સની MRP વધારી દીધી છે. એટલું જ નહીં, અગાઉ મળતા આકર્ષક બેંક કેશબેક અને શૂન્ય-વ્યાજ EMI જેવી સ્કીમો પણ બંધ કરી દેવામાં આવી છે. આનાથી એવા ગ્રાહકોને મોટો ફટકો પડશે જેઓ હપ્તેથી ફોન ખરીદવાનું પસંદ કરતા હતા. હોંગકોંગમાં મળેલી વૈશ્વિક ટેક નેતાઓની બેઠકમાં પણ ભારતીય બજારની આ અસ્થિરતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
સ્માર્ટફોન મોંઘા થવાને કારણે છૂટક વેપારીઓ એટલે કે રિટેલર્સની હાલત પણ કફોડી થઈ રહી છે. દિવાળીના તહેવારો પૂરા થયા બાદ સ્માર્ટફોનના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં ગ્રાહકોની સંખ્યા ઘટી જતાં નાના વેપારીઓ માટે સ્ટોરનું ભાડું અને સ્ટાફનો પગાર કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. ઓર્ગેનાઇઝ્ડ રિટેલર્સ એસોસિએશનના મતે, જો ભાવ આ રીતે જ વધતા રહેશે તો આવનારા સમયમાં ઓફલાઇન સ્ટોર્સ પર ગ્રાહકોની ભીડ વધુ ઓછી થઈ શકે છે, જેની સીધી અસર સ્થાનિક રોજગારી પર પડશે.
આ આર્થિક ફુગાવાની અસરથી બચવા માટે ટેક એક્સપર્ટ્સ એક જ સલાહ આપી રહ્યા છેઃ જરૂર હોય તો વહેલી ખરીદી કરો. ૨૦૨૬માં ટેકનોલોજી અને ફીચર્સ ચોક્કસપણે અપગ્રેડ થશે, પરંતુ તેની સાથે કિંમતો પણ આસમાને પહોંચશે. જો તમે જૂના ફોનથી કામ ચલાવી રહ્યા હોવ અને ૨૦૨૬માં અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા હોવ, તો ૨૦૨૫ના સેલ અથવા ઓફર્સનો લાભ લેવો તમારા માટે સેંકડો રૂપિયાની બચત કરાવી શકે છે. ડોલર સામે રૂપિયાની નબળી સ્થિતિ પણ આયાતી પાર્ટ્સને મોંઘા બનાવી રહી છે, જેનો બોજ અંતે તો ગ્રાહકોએ જ વેઠવો પડશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
