હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તમે મારા શહેર કરાચીને બરબાદ કરી નાખ્યું, તમારે શરમાવું જોઈએ’: વિદેશમાં પાકિસ્તાની મંત્રી સઈદ ગનીનો જાહેરમાં હુરિયો બોલાવાયો
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના નેતા અને સિંધ પ્રાંતના મંત્રી શોપિંગ મોલમાં ઘેરાયા: પ્રવાસી પાકિસ્તાનીએ રોષ ઠાલવ્યો તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી/કરાચી: પાકિસ્તાનની આર્થિક બદહાલી અને ખાસ કરીને દેશના આર્થિક પાટનગર ગણાતા કરાચીની દુર્દશાને લઈને હવે પાકિસ્તાની નેતાઓને વિદેશમાં પણ પોતાના જ નાગરિકોના ભારે રોષનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ૨૯ ડિસેમ્બરે એક વીડિયો જબરદસ્ત વાયરલ થયો છે, જેમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના વરિષ્ઠ નેતા સઈદ ગનીને એક પાકિસ્તાની નાગરિકે વિદેશમાં જાહેરમાં આડે હાથે લીધા હતા.
અહેવાલો અનુસાર, આ ઘટના વિદેશના એક શોપિંગ મોલ કે એરપોર્ટ લોબી જેવા જાહેર સ્થળની છે. વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે મંત્રી સઈદ ગની ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પ્રવાસી પાકિસ્તાની યુવક તેમની પાસે પહોંચી ગયો હતો અને મોબાઈલ કેમેરો ચાલુ કરીને તેમને રોકડા સવાલો કરવાનું શરૂ કર્યું હતું.
આ નાગરિકે મંત્રીના મોઢામોઢ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "તમે મારા શહેર કરાચીને બરબાદ કરી નાખ્યું છે. તમે અને તમારી પાર્ટી પીપીપીએ શહેરની જે હાલત કરી છે તે બદલ તમારે શરમાવું જોઈએ."
યુવકે મંત્રીનો પીછો કરતા વિડીયો ઉતારવાનું ચાલુ રાખ્યું હતું અને કરાચીની ખરાબ હાલત માટે તેમને સીધા જવાબદાર ઠેરવ્યા હતા. અચાનક થયેલા આ સામનો જોઈને મંત્રી સઈદ ગની ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. જોકે, તેમણે યુવકના સવાલોનો કોઈ જવાબ આપવાને બદલે ચૂપચાપ ત્યાંથી આગળ વધી જવાનું મુનાસીબ માન્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સિંધ પ્રાંતમાં છેલ્લા ઘણા વર્ષોથી બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીનું શાસન છે. કરાચીમાં તૂટેલા રસ્તા, ઉભરાતી ગટરો, પીવાના પાણીની સમસ્યા અને કચરાના ઢગલા જેવી માળખાગત સુવિધાઓના અભાવને કારણે લોકોમાં સરકાર સામે ભારોભાર રોષ છે.
આ અગાઉ પણ લંડન અને અમેરિકામાં પાકિસ્તાની મંત્રીઓને આવી જ રીતે જાહેરમાં ફજેતીનો સામનો કરવો પડ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
