<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

રેલવેમાં નોકરીની સુવર્ણ તક: ૨૨,૦૦૦ ગ્રુપ-ડી પદ માટે જાન્યુઆરીથી ફોર્મ ભરાશે, જાણો કોણ કરી શકશે અરજી અને કેટલી હશે સેલરી?

RRB દ્વારા લેવલ-૧ ની પોસ્ટ માટે ટૂંકી નોટિસ જાહેર; ધોરણ ૧૦ પાસ ઉમેદવારો ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ઓનલાઇન અરજી કરી શકશે, પસંદગી પામેલાને મળશે ૩૫,૦૦૦ સુધીનો પગાર

નવી દિલ્હી, તા.૨૯ : ભારતીય રેલવેમાં સરકારી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે વર્ષ ૨૦૨૬ની શરૂઆત ખુશખબરી લઈને આવી છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ગ્રુપ-ડી લેવલ-૧ ની અંદાજે ૨૨,૦૦૦ જગ્યાઓ પર ભરતી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા ૨૧ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થશે અને ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
આ ભરતીમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો ઓછામાં ઓછું ધોરણ ૧૦ (હાઈસ્કૂલ) પાસ હોવા જોઈએ. અમુક ચોક્કસ પદ માટે ITI લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. વયમર્યાદાની વાત કરીએ તો, ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ થી ૩૩ વર્ષની વચ્ચે હોવી જોઈએ. જોકે, અનામત વર્ગના ઉમેદવારો માટે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે, જેમાં OBC માટે ૩ વર્ષ અને SC/ST વર્ગ માટે ૫ વર્ષની રાહત મળશે.
અરજી ફી અને પગાર ધોરણ
સામાન્ય, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ૫૦૦ રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે SC, ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે ફી ૨૫૦ રૂપિયા રહેશે. સાતમાં પગાર પંચ મુજબ, પસંદગી પામેલા ઉમેદવારોને ૧૮,૦૦૦ રૂપિયાના બેઝિક પગાર સાથે મોંઘવારી ભથ્થું (DA) અને ઘરભથ્થું (HRA) મળશે. પોસ્ટ અને શહેરના આધારે કુલ માસિક સેલરી ૧૮,૦૦૦ થી ૩૫,૦૦૦ રૂપિયા સુધીની હોઈ શકે છે.
પસંદગીની પ્રક્રિયા
રેલવેમાં પસંદગી મેળવવા માટે ઉમેદવારોએ મુખ્યત્વે ત્રણ તબક્કામાંથી પસાર થવું પડશે:
૧. કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT): જેમાં વિજ્ઞાન, ગણિત, રીઝનિંગ અને જનરલ અવેરનેસના ૧૦૦ પ્રશ્નો પૂછાશે.
૨. ફિઝિકલ ટેસ્ટ (PET): લેખિત પરીક્ષા પાસ કરનાર પુરુષ ઉમેદવારોએ ૩૫ કિલો વજન સાથે ૧૦૦ મીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે.
૩. દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ: અંતિમ તબક્કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ તપાસ બાદ નિમણૂક આપવામાં આવશે.
ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે અરજી કરતી વખતે આધાર કાર્ડની વિગતો ધોરણ ૧૦ની માર્કશીટ મુજબ હોવી અનિવાર્ય છે, અન્યથા અરજી રદ થઈ શકે છે.

(5:47 PM IST)