News of Monday, 29th December 2025
મલયાલી સુપરસ્ટાર જયસૂર્યા પર ED નો સકંજો: કરોડોના મની લોન્ડરિંગ કેસમાં અભિનેતા અને તેમની પત્નીની કલાકો સુધી પૂછપરછ, ‘સેવ બોક્સ’ એપ કૌભાંડમાં સંડોવણીની આશંકા
ઓનલાઈન બિડિંગ એપ્લિકેશન દ્વારા લોકો સાથે છેતરપિંડીના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી; રોકાણકારોના નાણાં ફિલ્મ ઉદ્યોગમાં ડાયવર્ટ કરાયા હોવાનો ઘટસ્ફોટ, ૩૦ લાખના બેંકિંગ વ્યવહાર અને રોકડ લેવડદેવડની તપાસ તેજ

કોચી, તા.૨૯ : કેરળના ફિલ્મ ઉદ્યોગમાં આજે તે સમયે ખળભળાટ મચી ગયો જ્યારે લોકપ્રિય મલયાલી અભિનેતા જયસૂર્યા અને તેમના પત્ની સોમવારે કોચી સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસમાં હાજર થયા હતા. ‘સેવ બોક્સ’ નામની ઓનલાઈન બિડિંગ એપ્લિકેશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ફેડરલ એજન્સીએ દંપતીનું નિવેદન નોંધ્યું છે. આ કેસમાં રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાના ગંભીર આરોપો લાગ્યા છે.
શું છે ‘સેવ બોક્સ’ કૌભાંડ?
તપાસના મૂળ ત્રિસુર પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ચાર FIR માં રહેલા છે. આ કથિત રોકાણ યોજના સ્વાતિ રહીમ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી હતી. રહીમે ED સમક્ષ કબૂલાત કરી છે કે તેણે રોકાણકારો પાસેથી એકત્રિત કરેલા ભંડોળનો એક મોટો હિસ્સો ફિલ્મ ઉદ્યોગમાં વાળ્યો હતો. રહીમે એવો પણ દાવો કર્યો છે કે તેણે ૪૭ વર્ષીય અભિનેતા જયસૂર્યાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના બદલામાં મોટી રકમ ચૂકવી હતી.
રોકડ લેવડદેવડ અને બુટિક કનેક્શન
ED ના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી રહીમે જયસૂર્યાના ભાગીદારને ચેક દ્વારા અંદાજે ૩૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે, સૌથી ચોંકાવનારો આરોપ એ છે કે બાકીની મોટી રકમ 'રોકડ' માં ચૂકવવામાં આવી હતી. રહીમનો દાવો છે કે આ રોકડ રકમ જયસૂર્યાની પત્ની દ્વારા સંચાલિત બુટિકમાં જઈને સોંપવામાં આવી હતી. આ જ કારણોસર ED એ અભિનેતાની સાથે તેમની પત્નીની પણ આકરી પૂછપરછ કરી છે.
દંપતીનો બચાવ
બીજી તરફ, જયસૂર્યા અને તેમના પત્નીએ ED ને જણાવ્યું હોવાનું મનાય છે કે આ તમામ વ્યવહાર કાયદેસરના એન્ડોર્સમેન્ટ કરાર હેઠળ હતા. તેમણે જણાવ્યું કે ૭૫ લાખ રૂપિયાનો ઔપચારિક કરાર થયો હતો, જેમાંથી ૬૯ લાખ રૂપિયા બેંકિંગ ચેનલ દ્વારા પ્રાપ્ત થયા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે પૂરેપૂરી રકમ ન મળવાને કારણે જે-તે જાહેરાત ક્યારેય રિલીઝ કરવામાં આવી નહોતી.
હાલમાં ED આ કેસમાં ‘ક્રાઈમ ઓફ પ્રોસીડ્સ’ (ગુના દ્વારા મેળવેલી રકમ) ક્યાં ગઈ અને તેમાં અન્ય કયા કયા ફિલ્મ કલાકારો સામેલ છે તે દિશામાં તપાસ ચલાવી રહી છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
