<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

બાળકોમાં ‘જાતિ વિકાસના તફાવત’ (DSD) થી ગભરાશો નહીં: AIIMS ના નિષ્ણાતોએ વાલીઓને આપી ધીરજ, સામાજિક કલંક દૂર કરવા આહ્વાન

જનીનો અને હોર્મોન્સના ફેરફારને કારણે થતી આ સ્થિતિ કોઈ ‘રોગ’ નથી પણ માત્ર આનુવંશિક વિકાર; સમયસર તબીબી તપાસ અને કાઉન્સેલિંગથી જીવન સામાન્ય બની શકે છે

નવી દિલ્હી, તા.૨૯ : દેશની પ્રીમિયર મેડિકલ સંસ્થા, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દ્વારા બાળકોમાં જોવા મળતી એક વિશેષ તબીબી સ્થિતિ ‘ડિફરન્સિસ ઇન સેક્સ ડેવલપમેન્ટ’ (DSD) એટલે કે જાતિ વિકાસમાં જન્મજાત તફાવતો અંગે વ્યાપક જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી છે. AIIMS ના ડિરેક્ટરે વાલીઓને ગભરાવાને બદલે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અને સામાજિક ડરને ત્યાગવા વિનંતી કરી છે.
શું છે આ પરિસ્થિતિ?
DSD એ જનીનો, હોર્મોન્સ અને પ્રજનન અંગોને લગતી દુર્લભ પરિસ્થિતિઓનો સમૂહ છે. આમાં બાળકનો શારીરિક અને જાતીય વિકાસ સામાન્ય કરતા થોડો અલગ હોય છે. ઘણીવાર માહિતીના અભાવે વાલીઓ ચિંતામાં મુકાઈ જાય છે અથવા સમાજમાં બદનામીના ડરથી આ બાબત છુપાવે છે, જે બાળકના ભવિષ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
AIIMS ડિરેક્ટરનુ આશ્વાસન
નવી દિલ્હી AIIMS ના ડિરેક્ટર ડૉ. એમ. શ્રીનિવાસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "આ કોઈ શ્રાપ કે સામાજિક કલંક નથી. ઘણા બાળકો આ સ્થિતિને કારણે ભેદભાવનો ભોગ બને છે, જે અટકવું જોઈએ." તેમણે ખાતરી આપી કે AIIMS ના ડોકટરોની એક વિશેષ ટીમ આ બાબતે સતત કામ કરી રહી છે અને સમયસર માર્ગદર્શન દ્વારા બાળકને સ્વસ્થ જીવન આપી શકાય છે.
એન્ટિબાયોટિક્સના દુરુપયોગ અંગે ચેતવણી
આ પ્રસંગે વાત કરતા પ્રોફેસર ડૉ. વંદના જૈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જે રીતે લોકો ડૉક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક્સ લે છે, તેનાથી ‘એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ’ (દવાની અસર ન થવી) જેવો મોટો પડકાર ઉભો થયો છે. તેમણે ભાર મૂક્યો કે કોઈપણ દવાનો દુરુપયોગ શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે.
AIIMS દ્વારા આ જાગૃતિ અભિયાનનો ઉદ્દેશ્ય મેડિકલ સાયન્સની મદદથી સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવાનો અને બાળકોને માનભેર જીવવાનો અધિકાર અપાવવાનો છે.

(5:51 PM IST)