<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

યુએન માત્ર 'કાગળનો વાઘ' અને ટ્રમ્પની 'ટેરિફ-ડિપ્લોમસી': બદલાતી દુનિયામાં સત્તાના નવા સમીકરણો

વિશ્વ સંસ્થાની નિષ્ક્રિયતા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો 8 યુદ્ધો રોક્યાનો ધડાકો : ભારત, જાપાન અને આફ્રિકા વિનાની સુરક્ષા પરિષદ હવે જૂના જમાનાનું સંગ્રહાલય હોય તેમ તેની વિશ્વસનીયતા ગુમાવી રહી છે

વોશિંગ્ટન:વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યમાં સંયુક્ત રાષ્ટ્ર  એક એવી સંસ્થા બની ગઈ છે જે ઠરાવો પસાર કરવામાં તો માહિર છે, પરંતુ વાસ્તવિક શાંતિ સ્થાપવામાં વામણી પુરવાર થઈ રહી છે. તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે છેલ્લા કેટલાક મહિનાઓમાં પોતાની આક્રમક વ્યૂહરચના અને આર્થિક દબાણના જોરે વિશ્વના 8 સંભવિત યુદ્ધોને અટકાવ્યા છે. આ તે કાર્યો છે જે મૂળભૂત રીતે યુએનની જવાબદારી હતી. ટ્રમ્પની 'ટેરિફ પોલિસી' એટલે કે આયાત ડ્યુટીની ધમકી અને વળતા પ્રોત્સાહનોએ વિશ્વના અનેક નેતાઓને ટેબલ પર આવવા મજબૂર કર્યા છે, જે દર્શાવે છે કે હવે સૈન્ય તાકાત કરતા આર્થિક ચાબુક વધુ અસરકારક સાબિત થઈ રહ્યો છે.

બીજી તરફ, 1945માં સ્થપાયેલી યુએન સુરક્ષા પરિષદ હજુ પણ તે જ જૂના માળખાને વળગી રહી છે. બીજા વિશ્વયુદ્ધના વિજેતા દેશો પાસે આજે પણ વીટો પાવર છે, જે ઘણીવાર વૈશ્વિક હિતના બદલે પોતાના અંગત એજન્ડા સંતોષવા માટે વપરાય છે. ભારત જેવી ઉભરતી મહાસત્તા, ટેકનોલોજીના ગઢ ગણાતા જાપાન અને આખા આફ્રિકા ખંડની આ મુખ્ય નિર્ણાયક મંડળમાં ગેરહાજરી એ લોકશાહીના નામે મોટો મજાક છે. વિશ્વના નિષ્ણાતો માને છે કે જો સંયુક્ત રાષ્ટ્ર સમય સાથે પોતાની જાતને નહીં બદલે, તો ટ્રમ્પ જેવા નેતાઓની વ્યક્તિગત ડિપ્લોમસી સામે આ વૈશ્વિક પંચાયત માત્ર એક 'ટોકિંગ શો' બનીને રહી જશે.

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતનો દાવો હવે અનિવાર્ય બની ગયો છે. વિશ્વની સૌથી મોટી વસ્તી અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં ભારતને નિર્ણય લેવાની પ્રક્રિયાથી દૂર રાખવું એ યુએનની પોતાની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કરે છે. આજની જીઓ-પોલિટિક્સમાં જ્યારે રશિયા-યુક્રેન કે મધ્યપૂર્વના સંઘર્ષો ઉકેલવામાં યુએન નિષ્ફળ ગયું છે, ત્યારે ભારત, જાપાન અને જર્મની જેવા દેશોનો સમાવેશ જ આ સંસ્થામાં નવો પ્રાણ ફૂંકી શકે છે. જો સુધારા નહીં થાય, તો આવનારા સમયમાં યુએનની મર્યાદા માત્ર માનવીય સહાય અને પર્યાવરણની અપીલો સુધી જ સીમિત રહી જશે.

(6:04 PM IST)