<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

માતૃભાષાનું ગૌરવ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમશેદપુરમાં ‘ઓલ ચીકી લિપિ’ શતાબ્દી મહોત્સવને ગજવ્યો, સંથાલી ભાષામાં ગાયું ‘જહેર આયો નેહોર’ ગીત

સંથાલી ભાષાની લિપિના જનક પંડિત રઘુનાથ મુર્મુને રાષ્ટ્રપતિએ આપી પુષ્પાંજલિ; બંધારણને ઓલ ચીકીમાં અનુવાદિત કરવાના પ્રયાસોને બિરદાવ્યા, AI અને ટેકનોલોજી સાથે લિપિને જોડવા પર મૂક્યો ભાર

જમશેદપુર (ઝારખંડ): ઝારખંડના જમશેદપુરના કરંડીહ વિસ્તારમાં આજે એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંગમ જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંથાલી ભાષાની ઓળખ એવી 'ઓલ ચીકી લિપિ'ના શતાબ્દી સમારોહમાં હાજરી આપીને આદિવાસી સંસ્કૃતિ અને માતૃભાષા પ્રત્યેનો તેમનો અતૂટ પ્રેમ પ્રદર્શિત કર્યો હતો. રાષ્ટ્રપતિએ પરંપરાગત રીતે 'દિશામ જહેરથન' ખાતે પૂજા-અર્ચના કરી હતી અને લિપિના પિતા ગણાતા પંડિત રઘુનાથ મુર્મુની પ્રતિમાને હાર પહેરાવી ભાવવંદના કરી હતી.
માતૃભાષામાં સંબોધન અને AIનો આગ્રહ
૨૨મા પારસી મહા સંથાલી સંમેલનમાં રાષ્ટ્રપતિએ જ્યારે પોતાની માતૃભાષા સંથાલીમાં બોલવાનું શરૂ કર્યું, ત્યારે સમગ્ર પંડાલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. તેમણે ખાસ કરીને ભારતીય બંધારણને ઓલ ચીકી લિપિમાં રૂપાંતરિત કરવાના પગલાને પાયાનું કાર્ય ગણાવ્યું હતું. ટેકનોલોજીના યુગ સાથે કદમ મિલાવવા માટે રાષ્ટ્રપતિએ સૂચન કર્યું હતું કે જો ઓલ ચીકી લિપિ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ્લિકેશનો અને અનુવાદ સાધનો વિકસાવવામાં આવે, તો આ ભાષા વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે.
ડિજિટલ પ્લેટફોર્મ પર સંથાલી ભાષા
રાષ્ટ્રપતિ મુર્મુએ આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં રાષ્ટ્રપતિ ભવનની સત્તાવાર વેબસાઈટ પણ ઓલ ચીકી લિપિમાં ઉપલબ્ધ થાય, જેથી સંથાલી ભાષાના જાણકારોને સીધી માહિતી મળી શકે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ અત્યંત સુરીલા કંઠે "જહેર આયો નેહોર" ગીત ગાઈને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે લિપિના વિકાસમાં યોગદાન આપનારા સાહિત્યકારોનું પણ સન્માન કર્યંમ હતું.
રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિ
આ ગૌરવશાળી પ્રસંગે ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર અને મુખ્યમંત્રી હેમંત સોરેન પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ સંથાલી સાહિત્યકારોના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને લિપિને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવા માટે સરકારના સહયોગની ખાતરી આપી હતી. પંડિત રઘુનાથ મુર્મુએ ૧૦૦ વર્ષ પહેલા જે લિપિની શોધ કરી હતી, તેની શતાબ્દીની આ ઉજવણી આદિવાસી ગૌરવનું પ્રતિક બની રહી હતી.

(6:00 PM IST)