દેહરાદૂન નસ્લીય હુમલાએ પકડ્યું રાજકીય જોર: રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન, કહ્યું- "દેશમાં નફરતને સામાન્ય બનાવવાનું ષડયંત્ર"
ત્રિપુરાના વિદ્યાર્થી એન્જલ ચકમાના મોત બાદ દેશભરમાં આક્રોશ; પોલીસે ૫ આરોપીઓની કરી ધરપકડ, એક આરોપી નેપાળ ભાગી છૂટ્યો - મુખ્યમંત્રી ધામીએ કડક તપાસના આપ્યા આદેશ

દેહરાદૂન : ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ત્રિપુરાના રહેવાસી બે ભાઈઓ પર થયેલા ભયાનક નસ્લીય હુમલાએ હવે રાજકીય વળાંક લીધો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા એન્જલ ચકમા નામના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ભાજપના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ ઘટનાને 'હેટ ક્રાઈમ' (નફરતને કારણે થયેલો ગુનો) ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "દેશમાં લાંબા સમયથી નફરતનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. સત્તાધારી ભાજપનું નેતૃત્વ આવી નફરતને સામાન્ય બનાવી રહ્યું છે, જે અત્યંત ચિંતાજનક છે." તેમણે વધુમાં ઉમેર્યું કે દેશના દરેક નાગરિકને, ભલે તે ગમે તે પ્રદેશનો હોય, સુરક્ષાનો અહેસાસ થવો જોઈએ.
દેહરાદૂનમાં અભ્યાસ કરતા ત્રિપુરાના બે ભાઈઓ પર કેટલાક અસામાજિક તત્વોએ નસ્લીય ટિપ્પણીઓ કરી હતી અને ત્યારબાદ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. એન્જલ ચકમાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે દમ તોડ્યો હતો. આ ઘટના બાદ ઈશાન ભારતના વિદ્યાર્થીઓમાં સુરક્ષાને લઈને ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ મામલાને ગંભીરતાથી લેતા પોલીસને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં ૫ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, એક મુખ્ય આરોપી પોલીસને ચકમો આપીને નેપાળ ભાગી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેની શોધખોળ માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઘટનાએ ઉત્તર અને ઈશાન ભારતના લોકો વચ્ચેના સાંસ્કૃતિક સેતુ અને સુરક્ષાના પ્રશ્નોને ફરી એકવાર ચર્ચાના એરણે મૂક્યા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
