<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

ચિકન નેક' કોરિડોરને હવે 'હાથી'માં બદલવાનો સમય આવી ગયો છે: સદ્ગુરુ જગ્ગી વાસુદેવનું ભારતની સુરક્ષા અંગે અત્યંત સૂચક નિવેદન

માત્ર ૨૨ કિલોમીટર પહોળો માર્ગ રાષ્ટ્રની સુરક્ષા માટે પૂરતો નથી; સદ્ગુરુએ ૧૯૭૨ની તક ગુમાવવા બદલ અફસોસ વ્યક્ત કર્યો - આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના સૂર પુરાવતા વ્યૂહાત્મક ફેરફારની હિમાયત

કોઈમ્બતુર : ભારતના ઈશાન રાજ્યોને બાકીના દેશ સાથે જોડતા સાંકડા ભૌગોલિક માર્ગ, જેને 'ચિકન નેક' (સિલીગુડી કોરિડોર) તરીકે ઓળખવામાં આવે છે, તેના પર આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ જગ્ગી વાસુદેવે એક મોટું નિવેદન આપીને રાષ્ટ્રીય સુરક્ષાની ચર્ચાને વેગ આપ્યો છે. સદ્ગુરુએ ભારપૂર્વક જણાવ્યું છે કે માત્ર ૨૨ કિલોમીટરની પહોળાઈ ધરાવતો આ માર્ગ એક સાર્વભૌમ રાષ્ટ્રની સ્થિરતા અને અખંડિતતા માટે જોખમી છે અને તેને વિસ્તૃત કરવાની તાતી જરૂર છે.
૧૯૭૨માં તક હતી પણ આપણે કંઈ ન કર્યું: સદ્ગુરુએ ઐતિહાસિક સંદર્ભ ટાંકીને જણાવ્યું હતું કે, "૧૯૪૭ના ભાગલા સમયે આપણી પાસે કદાચ અધિકારો નહોતા, પરંતુ ૧૯૭૨માં (બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ બાદ) આપણી પાસે આ કોરિડોરને મજબૂત કરવાની અને ભૌગોલિક સ્થિતિ સુધારવાની પૂરેપૂરી સત્તા હતી. તેમ છતાં તે સમયે આપણે કંઈ ન કર્યું. એક વિશાળ રાષ્ટ્રને માત્ર ૨૨ કિમીના સાંકડા પટ્ટા પર નિર્ભર રાખવો તે યોગ્ય રીત નથી."
હિમંતા બિસ્વા સરમાના નિવેદનને ટેકો: થોડા દિવસો પહેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ કહ્યું હતું કે 'ચિકન નેક'ને મોટું કરવાનો સમય આવી ગયો છે. હવે સદ્ગુરુએ પણ આ જ વાતને સમર્થન આપતા કહ્યું છે કે આ સાંકડી ગરદનને 'હાથી' જેવી મજબૂત બનાવવી જોઈએ. વ્યૂહાત્મક દૃષ્ટિએ આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે કારણ કે તે નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશની સરહદોથી ઘેરાયેલો છે અને ચીન સાથેના તણાવમાં આ કોરિડોરની સુરક્ષા ભારત માટે સૌથી મોટો પડકાર છે.
શું છે 'ચિકન નેક'નું મહત્વ?: સિલીગુડી કોરિડોર પશ્ચિમ બંગાળમાં આવેલો એક સાંકડો પટ્ટો છે જે ભારતને તેના આઠ ઈશાન રાજ્યો (સેવન સિસ્ટર્સ અને સિક્કિમ) સાથે જોડે છે. જો કોઈ દુશ્મન દેશ આ માર્ગ પર કબજો કરે અથવા તેને બ્લોક કરી દે, તો ભારતનો તેના ઈશાન રાજ્યો સાથેનો જમીની સંપર્ક સંપૂર્ણપણે તૂટી શકે છે. સદ્ગુરુનું આ નિવેદન ભારત સરકારની વર્તમાન 'એક્ટ ઈસ્ટ' પોલિસી અને સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે.

(8:52 PM IST)