<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

અયોધ્યામાં કલા અને શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય: યાત્રી સુવિધા કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી રૂ. ૨.૫ કરોડની સોના-હીરા જડિત પ્રભુ શ્રીરામની અલૌકિક પ્રતિમા

બેંગલુરુના શિલ્પકારોએ ‘તંજાવુર શૈલી’માં કંડાર્યું રામલલાનું મનમોહક સ્વરૂપ; ચંપત રાયના હસ્તે પ્રતિમાનું અનાવરણ - હીરા, માણેક અને સોનાના આભૂષણોથી ઝળહળી ઉઠી રામનગરી

અયોધ્યા : રામનગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ શ્રદ્ધાળુઓની સુવિધા અને આસ્થા માટે સતત નવા સોપાન સર થઈ રહ્યા છે. તાજેતરમાં અયોધ્યાના 'યાત્રી સુવિધા કેન્દ્ર' ખાતે ભગવાન શ્રીરામની એક અત્યંત મોહક અને કિંમતી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. અંદાજે રૂ. ૨.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ પ્રતિમા શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ અને આસ્થાનું નવું કેન્દ્ર બની છે.
આ અલૌકિક પ્રતિમાની સૌથી મોટી વિશેષતા તેમાં કરવામાં આવેલું રત્નજડિત કામ છે. પ્રભુ શ્રીરામની આ મૂર્તિને અસલી સોનાના વરખ અને કિંમતી હીરા-માણેકથી જડવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય દ્વારા આ પ્રતિમાનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે પ્રતિમાની કલા અને કારીગરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
આ પ્રતિમાનું નિર્માણ કર્ણાટકના બેંગલુરુના ખ્યાતનામ શિલ્પકારો દ્વારા કરવામાં આવ્યું છે. દક્ષિણ ભારતની પ્રખ્યાત અને પ્રાચીન 'તંજાવુર શૈલી' (Tanjore Style) માં બનેલી આ પ્રતિમામાં સુક્ષ્મ નક્કાશી જોવા મળે છે. તંજાવુર કલા તેની ભવ્યતા અને સોનાના ઉપયોગ માટે વિશ્વભરમાં જાણીતી છે, જેની ઝલક હવે અયોધ્યા આવતા ભક્તોને જોવા મળશે.
યાત્રી સુવિધા કેન્દ્રમાં આવતા હજારો શ્રદ્ધાળુઓ હવે મંદિરના દર્શનની સાથે આ રત્નજડિત રામલલાની મૂર્તિના પણ દર્શન કરી શકશે. આ પ્રતિમા ભારતની વિવિધતામાં એકતા અને પ્રાચીન કલા વારસાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

(8:53 PM IST)