<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

ભારતીય સેના માટે રૂ. 79,000 કરોડનું મહા-પેકેજ: ડ્રોનથી લઈને આધુનિક મિસાઈલ સુધી, ત્રણેય પાંખ હવે દુશ્મનોને ‘દરમાં’ ઘૂસીને મારશે!

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપી મંજૂરી; પિનાકા રોકેટ અને એસ્ટ્રા મિસાઈલથી સેનાની પ્રહાર ક્ષમતા વધશે - આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્વદેશી શસ્ત્રો પર મૂકાયો ભાર

નવી દિલ્હી : દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ અને આધુનિક બનાવવા માટે સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) એ સોમવારે (29 ડિસેમ્બર) 79,000 કરોડ રૂપિયાના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવોને મંજૂરી આપી છે. આ પેકેજ અંતર્ગત ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના માટે અત્યાધુનિક હથિયારો અને ટેકનોલોજીની ખરીદી કરવામાં આવશે, જેનાથી સરહદ પર દુશ્મનો સામે ભારતની લડાયક ક્ષમતા અનેકગણી વધી જશે.
ડ્રોન ડિટેક્શન અને રોકેટ પાવર: ભૂમિ સેના માટે પિનાકા મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (MRLS) માટે લોંગ રેન્જ ગાઈડેડ રોકેટ અને અત્યાધુનિક ‘લોઈટર મ્યુનિશન સિસ્ટમ’ (જેને કામિકાઝ ડ્રોન પણ કહેવામાં આવે છે) ખરીદવામાં આવશે. આ ઉપરાંત, દુશ્મનના ડ્રોનને હવામાં જ શોધીને તોડી પાડવા માટે 'ઇન્ટિગ્રેટેડ ડ્રોન ડિટેક્શન એન્ડ ઇન્ટરડિક્શન સિસ્ટમ Mk-II' પણ સેનામાં સામેલ કરાશે.
 આકાશમાં અતૂટ સુરક્ષા: વાયુસેના માટે સ્વદેશી બનાવટની ‘એસ્ટ્રા Mk-II’ મિસાઈલોની ખરીદીને મંજૂરી અપાઈ છે, જે હવામાંથી હવામાં દૂર સુધી સચોટ નિશાન સાધવામાં માહિર છે. આ સાથે જ, LCA તેજસના પાયલોટોની તાલીમ માટે ફુલ મિશન સિમ્યુલેટર અને લાંબી રેન્જની પ્રિસિઝન સ્ટ્રાઈક માટે ‘SPICE-1000’ ગાઈડન્સ કિટ્સ પણ લેવામાં આવશે.
 હિન્દ મહાસાગરમાં વધશે દેખરેખ: નૌકાદળની તાકાત વધારવા માટે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સતત દેખરેખ રાખવા ‘હાઈ એલ્ટીટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ’ (HALE) ડ્રોન સિસ્ટમને લીઝ પર લેવાની મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત, દરિયામાં સુરક્ષિત સંદેશાવ્યવહાર માટે સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયો અને જહાજોની અવરજવર માટે હાઈ-પાવર ટગ્સ પણ ખરીદવામાં આવશે.
આ તમામ ખરીદીમાં મોટાભાગના હથિયારો ભારતમાં જ ઉત્પાદિત કરવામાં આવશે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. વર્ષ 2025માં થયેલું આ રોકાણ ભારતની સંરક્ષણ સજ્જતા માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થશે

(9:10 PM IST)