<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

અમિતભાઇ શાહની કોંગ્રેસ પર સર્જિકલ સ્ટ્રાઈક: "કોંગ્રેસે ઘૂસણખોરોને વોટબેંક બનાવી આસામમાં વસાવ્યા, હવે વીણી વીણીને બહાર કાઢીશું"

આસામના નૌગાંવમાં ગૃહમંત્રીની ગર્જના- "૧ લાખ વીઘા જમીન ઘૂસણખોરોથી મુક્ત કરાવી:આગામી સમયમાં આખા દેશને ઘૂસણખોરી મુક્ત બનાવીશું"; ૨૨૭ કરોડના બટાડ્રવા થાન પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ

નૌગાંવ (આસામ) :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સોમવારે આસામના નૌગાંવમાં એક વિશાળ જનસભાને સંબોધતા કોંગ્રેસની પૂર્વ સરકારો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દાયકાઓ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે પોતાની રાજકીય વોટબેંક સાચવવા માટે ઈરાદાપૂર્વક ઘૂસણખોરોને આસામ અને દેશમાં વસાવ્યા હતા. અમિતભાઇ શાહે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે મોદી સરકારની પ્રાથમિકતા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની છે અને સમગ્ર દેશમાંથી તેમને બહાર કાઢવામાં આવશે.
 ગૃહમંત્રીએ ભાજપ સરકારની સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે, "છેલ્લા ૧૧ વર્ષમાં મોદી સરકારે આસામના વિકાસ માટે ૧૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. કોંગ્રેસે ક્યારેય આસામના વિકાસ કે તેની સંસ્કૃતિની પરવા કરી નથી. અમે પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપવા માટે અનેક ઉગ્રવાદી સંગઠનો સાથે ઐતિહાસિક સમજૂતી કરી છે, જેના પરિણામે અંદાજે ૧૦,૫૦૦ ઉગ્રવાદીઓએ શસ્ત્રો છોડીને મુખ્ય પ્રવાહમાં પ્રવેશ કર્યો છે."
: મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની કામગીરીના વખાણ કરતા અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે રાજ્યમાં ૧ લાખ વીઘાથી વધુ જમીનને ઘૂસણખોરો પાસેથી મુક્ત કરાવવામાં આવી છે. તેમણે આ પ્રસંગે વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવની જન્મભૂમિ 'બટાડ્રવા થાન' ના ૨૨૭ કરોડના પુનઃવિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. શાહે ઉમેર્યું કે આ પવિત્ર સ્થળ પર પહેલા ઘૂસણખોરોનો કબજો હતો, પરંતુ ભાજપ સરકારે તેને મુક્ત કરાવી એક ભવ્ય આધ્યાત્મિક કેન્દ્ર બનાવ્યું છે.
 અમિતભાઇ શાહે આગામી ચૂંટણીઓનો હુંકાર ભરતા કહ્યું કે જો જનતા ફરીથી ભાજપને અવસર આપશે, તો માત્ર આસામ જ નહીં પરંતુ સમગ્ર ભારતને ઘૂસણખોરી મુક્ત બનાવી દેવામાં આવશે. તેમણે ભારત રત્ન ગોપીનાથ બોરદોલોઈના યોગદાનને યાદ કરતા કહ્યું કે તેમના પ્રયાસોને કારણે જ આસામ આજે ભારતનો અભિન્ન હિસ્સો છે અને તેની સંસ્કૃતિ સાથે હવે કોઈને ખીલવાડ કરવા દેવામાં આવશે નહીં.

(9:12 PM IST)