<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

ઇન્ડોનેશિયામાં કાળમુખી આગનું તાંડવ: વૃદ્ધાશ્રમમાં નિદ્રાધીન 16 વૃદ્ધો જીવતા ભૂંજાયા : ચીજવસ્તુઓ સાથે યાદો પણ રાખ થઈ

ઉત્તર સુલાવેસીના માનાડોમાં મધરાતે શોર્ટ સર્કિટના કારણે ભભૂકેલી જ્વાળાઓએ રક્ષણહારા આશ્રમને જ સ્મશાનમાં ફેરવી દીધો: બચાવકર્મીઓએ 15 જિંદગીઓ બચાવી પણ મોતનો આંકડો વધવાની આશંકા

જકાર્તા:  ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતના માનાડો શહેરમાં રવિવારની રાત કયામત બનીને ત્રાટકી હતી. એક માળના શાંત વૃદ્ધાશ્રમમાં જ્યારે તમામ વડીલો મીઠી નિદ્રામાં હતા, ત્યારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ કે અસહાય વૃદ્ધોને બહાર નીકળવાની તક પણ ન મળી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં 16 નિરાધાર વડીલોના કરૂણ મોત નિપજ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આગની લપેટો આકાશને આંબી રહી હતી અને વૃદ્ધોની ચીસોથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ફાયર બ્રિગેડની છ ગાડીઓએ સતત બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ ખાખ થઈ ગયું હતું.

પોલીસ પ્રવક્તા આલમસ્યાહ હાસિબુઆને જણાવ્યું હતું કે, બચાવ કામગીરી દરમિયાન 15 લોકોને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાડોશીઓએ પણ પોતાની જાનની પરવા કર્યા વગર બારીઓ તોડીને અનેક લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. અત્યારે હોસ્પિટલમાં દાખલ લોકોમાં અનેકની સ્થિતિ નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. સત્તાવાળાઓ દ્વારા મૃતદેહોને ઓળખ માટે લઈ જવામાં આવ્યા છે, કારણ કે આગમાં તેઓ એટલી હદે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક આગ પાછળ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક તપાસ ચાલુ છે.

ઇન્ડોનેશિયામાં આ મહિનામાં આગની આ બીજી મોટી દુર્ઘટના છે, જેણે દેશની ફાયર સેફ્ટી વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. આ પહેલા 18 ડિસેમ્બરે જકાર્તામાં એક રહેણાંક મકાનમાં લાગેલી આગમાં પાંચ જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ખાસ કરીને જ્યાં લાચાર અને વૃદ્ધ લોકો રહેતા હોય તેવા આશ્રમોમાં સુરક્ષાના સાધનોનો અભાવ હોવાનું સામે આવી રહ્યું છે. સરકારે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને અસરગ્રસ્તોને સહાયની ખાતરી આપી છે. રવિવારની આ ઘટનાએ સમગ્ર માનાડો શહેરમાં શોકનું મોજું ફેરવી દીધું છે અને લોકો સુરક્ષિત આશ્રયસ્થાનોની સુરક્ષા અંગે ચિંતિત બન્યા છે.

(10:21 PM IST)