હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુનીરના શાસન પર તોળાતું સંકટ: તાલિબાન અને પાકિસ્તાની મૌલવીઓ વચ્ચે જામી જુગલબંધી : ઇસ્લામાબાદમાં મોટા ઉલટફેરના સંકેત
તાલિબાનના ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીએ મૌલાના ફઝલુર રહેમાનના 'ભારત કનેક્શન' વાળા ભાષણની કરી પ્રશંસા : પાકિસ્તાની સેના અને સરકારના દંભનો પર્દાફાશ કરતા મૌલવીઓએ આર્મી ચીફ વિરુદ્ધ ખોલ્યો મોરચો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર માટે હવે ઘર આંગણે જ 'ખેલ ખતમ' થવાની તૈયારી હોય તેવું દેખાઈ રહ્યું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધતા તણાવની વચ્ચે એક નવું અને શક્તિશાળી સમીકરણ ઉભરી આવ્યું છે. અફઘાનિસ્તાન પર શાસન કરતા તાલિબાન અને પાકિસ્તાનના પ્રભાવશાળી ધાર્મિક નેતાઓ હવે એક મંચ પર આવતા જણાય છે. તાલિબાનના કટ્ટરપંથી ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીએ રવિવારે જાહેરમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામના વડા મૌલાના ફઝલુર રહેમાન અને મુફ્તી તકી ઉસ્માનીનો આભાર માન્યો છે. આ આભારવિધિ પાછળનું કારણ મૌલાના ફઝલુર રહેમાનનું તે વિવાદાસ્પદ ભાષણ છે જેમાં તેમણે પાકિસ્તાની સેનાની અફઘાન નીતિને આડેહાથ લીધી હતી.
મૌલાના ફઝલુર રહેમાને કરાચીમાં આપેલા ભાષણથી પાકિસ્તાની સૈન્ય હેડક્વાર્ટર હચમચી ગયું છે. મૌલાનાએ સીધો સવાલ પૂછ્યો હતો કે, "જો પાકિસ્તાન આતંકવાદના નામે અફઘાનિસ્તાનમાં ઘૂસીને હુમલા કરવાનું વાજબી ઠેરવતું હોય, તો પછી ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને મારે તો તેમાં ખોટું શું છે?" આ નિવેદને પાકિસ્તાની સેનાની દૂધે ધોયેલી છબીને ખરડી નાખી છે. હવે તાલિબાને મૌલાનાના આ 'સદ્ભાવનાપૂર્ણ' વલણને વધાવી લીધું છે. નિષ્ણાતો માને છે કે આ ગઠબંધન પાકિસ્તાનની અંદર મદરેસાની વિચારધારા ધરાવતા કરોડો લોકોને સેનાની વિરુદ્ધ ઉભા કરી શકે છે, જે અસીમ મુનીરના શાસન માટે સૌથી મોટો પડકાર સાબિત થશે.
સિરાજુદ્દીન હક્કાનીએ કાબુલમાં એક કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ કર્યું કે તેઓ એવા તમામ પાકિસ્તાની નેતાઓના આભારી છે જેઓ અફઘાનિસ્તાન પ્રત્યે નરમ વલણ ધરાવે છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે તાલિબાન હવે પાકિસ્તાની સેના પર દબાણ લાવવા માટે ત્યાંના આંતરિક ધાર્મિક સંગઠનોનો ઉપયોગ કરી રહ્યું છે. જો પાકિસ્તાની મૌલવીઓ અને તાલિબાન વચ્ચેનો આ સંવાદ વધુ ગાઢ બનશે, તો ઇસ્લામાબાદમાં સત્તાના સમીકરણો બદલાઈ શકે છે. પાકિસ્તાન જે આતંકવાદને વર્ષોથી અફઘાનિસ્તાન તરફ ધકેલતું હતું, તે હવે ધાર્મિક ક્રાંતિના રૂપમાં પાકિસ્તાનના દરવાજે ટકોરા મારી રહ્યું હોય તેમ લાગે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
