હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશમાં 'હિન્દુ-બૌદ્ધ મુક્ત' અભિયાન? 2 લાખ લઘુમતીઓના નરસંહારની ખુલ્લી ધમકી અને લોહીતરસ્યા બેનરોથી ફફડાટ
ચિત્તાગોંગમાં 'વિસ્તાર સાફ કરવા'ના ઉશ્કેરણીજનક પોસ્ટરો સાથે હિન્દુ ઘરોને જીવતા સળગાવવાનો પ્રયાસ : ડિસેમ્બરમાં જ 4 હત્યાઓ અને દિપુ ચંદ્ર દાસના લિંચિંગ બાદ યુનુસ સરકારના શાસનમાં સનાતનીઓનું અસ્તિત્વ જોખમમાં

ઢાકા: બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધની હિંસાએ હવે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધી જે હુમલાઓ છૂટાછવાયા હતા, તે હવે સંગઠિત નરસંહારની યોજનામાં ફેરવાઈ રહ્યા હોય તેમ જણાય છે. ચિત્તાગોંગના રૌજાન વિસ્તારમાં મળી આવેલા એક ચોંકાવનારા બેનરે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે, જેમાં ૨,૦૦,૦૦૦ હિન્દુઓ અને બૌદ્ધોને ખતમ કરવાનું ખુલ્લું કાવતરું વર્ણવવામાં આવ્યું છે. આ બેનરમાં "વિસ્તાર સાફ કરવા" અને "અસ્તિત્વ નાશ કરવા" જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે, આ બેનર તે જ જગ્યાએથી મળ્યું છે જ્યાં થોડા સમય પહેલા જ હિન્દુઓના ઘરોને જીવતા સળગાવી દેવાના ઈરાદે આગ ચાંપવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં ડિસેમ્બર મહિનો લોહીયાળ સાબિત થયો છે. ૭ ડિસેમ્બરે જોગેશ ચંદ્ર રોય અને તેમની પત્નીની કરપીણ હત્યાથી શરૂ થયેલો આ સિલસિલો અટકવાનું નામ નથી લેતો. ૧૮ ડિસેમ્બરે દિપુ ચંદ્ર દાસને ઇશનિંદાના ખોટા આરોપસર ભીડ દ્વારા જીવતા સળગાવી દેવાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે આક્રોશ જન્માવ્યો હતો. ત્યારબાદ ૨૫ ડિસેમ્બરે અમૃત મંડલ નામના યુવકને પણ ટોળાએ મોતને ઘાટ ઉતારી દીધો. કટ્ટરપંથીઓ હવે ઉસ્માન હાદીની હત્યા માટે વિના પુરાવે ભારત અને સ્થાનિક લઘુમતીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે, જેનો ઉપયોગ તેઓ નિર્દોષ લોકો પર હુમલા કરવા માટે એક બહાના તરીકે કરી રહ્યા છે.
સનાતની જાગરણ જોત જેવા સંગઠનોનું કહેવું છે કે આ માત્ર ધમકીઓ નથી, પરંતુ સામૂહિક નરસંહાર માટેની માનસિક તૈયારી છે. બાંગ્લાદેશમાં પરિવર્તન બાદ આવેલી મોહમ્મદ યુનુસની સરકાર લઘુમતીઓને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. બેનરો અને પોસ્ટરો દ્વારા જે રીતે ખુલ્લેઆમ હિંસા માટે ભંડોળ પૂરું પાડવાની અને યોજના બનાવવાની વાતો કરવામાં આવી રહી છે, તે દર્શાવે છે કે કટ્ટરપંથીઓને હવે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. પ્રશ્ન એ ઉભો થાય છે કે શું બાંગ્લાદેશમાં હિન્દુ કે બૌદ્ધ હોવું એ મૃત્યુદંડની સજા સમાન બની ગયું છે? જો આંતરરાષ્ટ્રીય સમુદાય હજુ પણ મૌન રહેશે, તો બાંગ્લાદેશમાં માનવતાનું મોટું પતન નિશ્ચિત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
