<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

નવા વર્ષે પણ સૂકા રહેશે પહાડો : પર્યટકોની આશાઓ પર ફરી વળ્યું પાણી!

ઉત્તરાખંડ અને હિમાચલમાં આ વખતે કુદરત રૂઠી હોય તેમ બરફવર્ષા ગાયબ : કેદારનાથ અને ઔલીના શુષ્ક પહાડો વચ્ચે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સફેદ ચાદર પથરાવાની આશા જીવંત બની

મનાલી : નવા વર્ષની ઉજવણી કરવા અને પહાડોની સફેદ મખમલી બરફવર્ષામાં ડૂબકી લગાવવા માંગતા પ્રવાસીઓ માટે આ વખતે માઠા સમાચાર છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષે કુદરતનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. નવા વર્ષના પ્રારંભમાં પણ આ વિસ્તારો શુષ્ક રહેવાની ધારણા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે કેદારનાથ ધામ આ સમયે બરફથી ઢંકાયેલું રહેતું હતું, ત્યાં હજુ સુધી હિમવર્ષાના દર્શન થયા નથી. સ્થિતિ એવી સર્જાઈ છે કે પ્રવાસીઓને આકર્ષવા માટે મનાલી અને શિમલા જેવા લોકપ્રિય સ્થળોએ વહીવટીતંત્રે 'આર્ટિફિશિયલ સ્નો' (કૃત્રિમ બરફ)નો સહારો લેવો પડી રહ્યો છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય છે.

જોકે, જો તમે ખરેખર બરફના ગાળા ફેંકવા અને સ્નોફોલનો આનંદ લેવા માંગતા હોવ, તો તમારી ગાડીનો રસ્તો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ તરફ વાળવો ફાયદાકારક રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી વચ્ચે એક શક્તિશાળી 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થઈ રહ્યું છે. આ સિસ્ટમની સૌથી વધુ અસર જમ્મુ-કાશ્મીરના ઊંચા પહાડો પર જોવા મળશે, જ્યાં ભારે હિમવર્ષા થવાની પ્રબળ શક્યતા છે. જ્યારે હિમાચલના કેટલાક સીમિત વિસ્તારોમાં હળવી હાજરી જોવા મળી શકે છે, પરંતુ ઉત્તરાખંડના ઔલી અને કેદારનાથ જેવા વિસ્તારોમાં અત્યારે પણ ભારે બરફવર્ષાના કોઈ એંધાણ દેખાતા નથી.

સ્કાયમેટ અને IMDની આગાહી મુજબ, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી પહાડી રાજ્યોમાં મિશ્ર વાતાવરણ રહેશે. ઉત્તરાખંડમાં માત્ર ઊંચાઈવાળા શિખરો પર હળવા છાંટા પડી શકે છે, જ્યારે નીચેના પ્રવાસન સ્થળોએ માત્ર ઠંડીનો અનુભવ થશે. પ્રવાસીઓની ભારે ભીડ અત્યારે કાશ્મીરના ગુલમર્ગ અને પહેલગામ તરફ વળી રહી છે, કારણ કે ત્યાં કુદરતી બરફવર્ષાની આશા સૌથી વધુ છે. આમ, 2026નું સ્વાગત કરવા નીકળેલા સહેલાણીઓ માટે આ વખતે 'સ્નો ડેસ્ટિનેશન'ની પસંદગી કરવી એક પડકાર બની ગઈ છે, કારણ કે હિમાચલ અને ઉત્તરાખંડના પહાડો હજુ પણ પોતાની અસલી સફેદ સુંદરતાની રાહ જોઈ રહ્યા છે.

(10:23 PM IST)