<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

ભારતીય બેંકોનો સુવર્ણકાળ: દાયકાના સૌથી નીચલા સ્તરે પહોંચી 'બેડ લોન' : RBI એ જાહેર કર્યો રિપોર્ટ!

ગ્રોસ NPA ઘટીને 2.1 ટકાના ઐતિહાસિક સ્તરે પહોંચતા બેંકિંગ સિસ્ટમ વધુ લોખંડી બની : હવે ક્લાઈમેટ ચેન્જ અને જોખમી પર્સનલ લોન પર રિઝર્વ બેંકની કડક નજર

મુંબઈ : ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન બેંકિંગ ક્ષેત્ર માટે ખુબ જ ગૌરવશાળી સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, દેશની બેંકોની હાલત હવે દાયકાઓ પછી સૌથી વધુ મજબૂત જોવા મળી રહી છે. સૌથી મોટી સિદ્ધિ એ છે કે બેંકોની 'બેડ લોન' એટલે કે ગ્રોસ NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) સપ્ટેમ્બર 2025 સુધીમાં ઘટીને માત્ર 2.1 ટકા રહી ગઈ છે. આ આંકડો સૂચવે છે કે લોકો અને મોટી કંપનીઓ હવે સમયસર લોનની ચુકવણી કરી રહ્યા છે, જેને કારણે બેંકોની બેલેન્સ શીટ હવે કાચ જેવી ચોખ્ખી થઈ રહી છે. હાઉસિંગ અને એજ્યુકેશન લોન જેવા મહત્વના ક્ષેત્રોમાં રિકવરી ઝડપી બની છે, જે દેશની આર્થિક સ્થિરતાનો મજબૂત પુરાવો છે.

જોકે, આ તેજીની સાથે RBI એ કેટલીક સાવચેતીની લાલબત્તી પણ ધરી છે. વ્યક્તિગત લોન (Personal Loans) અને ક્રેડિટ કાર્ડના વપરાશમાં જે ઉછાળો જોવા મળ્યો હતો, તેના પર નિયંત્રણ લાવવા માટે કેન્દ્રીય બેંકે લીધેલા કડક પગલાંની અસર દેખાઈ રહી છે. ખાસ કરીને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેમ કે ટીવી અને ફ્રીજ માટે લેવામાં આવતી નાની લોન તેમજ ચામડાના ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓને અપાયેલ ધિરાણમાં હજુ પણ જોખમ વર્તાઈ રહ્યું છે. વ્યાજ દરોના માર્જિનમાં ફેરફારને કારણે બેંકોના નફાની ગતિ થોડી ધીમી પડી છે, પરંતુ બેંકો પાસે પૂરતી મૂડી હોવાથી ગભરાવાની કોઈ જરૂર નથી તેમ નિષ્ણાતોનું માનવું છે.

ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે RBI હવે માત્ર નાણાકીય પાસાઓ પર જ નહીં, પરંતુ 'ક્લાઈમેટ ચેન્જ' (આબોહવા પરિવર્તન) ના જોખમો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે સર્જાતી કુદરતી આફતો બેંકોના ધિરાણને નુકસાન પહોંચાડી શકે છે, તે હેતુથી એક નવું 'ઇન્ફોર્મેશન સિસ્ટમ' માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. RBI નું માનવું છે કે બેંકિંગ ક્ષેત્રને લાંબા ગાળે સુરક્ષિત રાખવા માટે આબોહવા ધિરાણ (Climate Finance) હવે માત્ર વિકલ્પ નહીં પણ રાષ્ટ્રીય જવાબદારી બની ગઈ છે. આમ, ભારતીય બેંકો હવે ડિજિટલ અને પર્યાવરણીય પડકારો સામે લડવા માટે સજ્જ થઈ રહી છે.

(10:25 PM IST)