હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લલિત મોદીનો યુટર્ન : 'સૌથી મોટા ભાગેડુ' વાળા નિવેદન બદલ માફી માંગી: ભારત સરકાર માટે વ્યક્ત કર્યો આદર!
વિજય માલ્યાના 70મા જન્મદિવસની પાર્ટીમાં મજાક કરવી ભારે પડી, સોશિયલ મીડિયા પર હોબાળો થતા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હટાવી અને કહ્યું – 'મારા નિવેદનને ખોટી રીતે સમજવામાં આવ્યું'

લંડન : IPLના પૂર્વ કમિશનર લલિત મોદીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યા બાદ હવે નમતું જોખ્યું છે. તાજેતરમાં લંડનમાં વિજય માલ્યાના 70મા જન્મદિવસની ભવ્ય ઉજવણી દરમિયાન લલિત મોદીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે હસતા હસતા પોતાની જાતને અને માલ્યાને "ભારતના બે સૌથી મોટા ભાગેડુ" તરીકે ઓળખાવ્યા હતા. આ મજાક ભારત સરકાર અને જનતામાં રોષ ભભુકાવવા માટે પૂરતી હતી. જોકે, મામલો ગંભીર બનતા અને ભારત સરકારના કડક વલણને જોતા લલિત મોદીએ હવે સત્તાવાર રીતે માફી માંગી લીધી છે અને જણાવ્યું છે કે તેમનો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો અને તેમને ભારત સરકાર પ્રત્યે અત્યંત માન છે.
લલિત મોદીની આ વિવાદિત પોસ્ટમાં "ચાલો ફરી એકવાર ઇન્ટરનેટ તોડી નાખીએ" તેવું કેપ્શન લખવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી ઈન્ટરનેટ તૂટવાને બદલે વિદેશ મંત્રાલયનો પારો ચડી ગયો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ વીડિયો બાદ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારત સરકાર આર્થિક ગુનેગારોને દેશમાં પાછા લાવવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. વિદેશ મંત્રાલયની આ સક્રિયતા અને કાનૂની દબાણને કારણે જ લલિત મોદીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હટાવી લેવી પડી અને સ્પષ્ટતા કરવી પડી કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.
નોંધનીય છે કે વિજય માલ્યા અને લલિત મોદી બંને ભારતમાં મની લોન્ડરિંગ અને હજારો કરોડની નાણાકીય છેતરપિંડીના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. માલ્યા હાલમાં બ્રિટનમાં જામીન પર છે અને પ્રત્યાર્પણ ટાળવા માટે 'ગુપ્ત' કાનૂની લડાઈ લડી રહ્યો છે. બીજી તરફ, લલિત મોદી પર પણ વિદેશી વિનિમય કાયદાના ઉલ્લંઘનનો આરોપ છે. આ માફી બાદ હવે જોવાનું એ રહેશે કે શું લલિત મોદીનો આ 'આદર' ખરેખર કાયદાકીય પ્રક્રિયામાં સહયોગ આપવા સુધી જાય છે કે પછી આ માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી બચાવવાનો એક પેંતરો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
