હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રશિયા-યુક્રેન યુદ્ધ અત્યંત ખતરનાક વળાંકે : ઝેલેન્સ્કીએ પુતિનના નિવાસસ્થાન પર ૯૧ ડ્રોનથી હુમલો કર્યો હોવાનો રશિયાનો દાવો : હવે ગમે ત્યારે મહાવિનાશક પલટવારની શક્યતા
રશિયન ફોજ નોવગોરોડ ક્ષેત્રમાં થયેલા હુમલાનો બદલો લેવા કિવ પર મોટા પાયે મિસાઈલ હુમલાની તૈયારીમાં : યુક્રેનના સરકારી અને સૈન્ય ઠેકાણાઓ રશિયાના નિશાના પર : ઝેલેન્સ્કીએ હુમલાનો ઈનકાર કરી, રશિયા ગંભીર કાવતરું ઘડી રહ્યું હોવાની વૈશ્વિક સમુદાયને આપી ચેતવણી

મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક એવા ખતરનાક તબક્કામાં પ્રવેશી ગયું છે જ્યાંથી પરત આવવું અશક્ય જણાય છે. રશિયાએ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયાના નોવગોરોડ ક્ષેત્રમાં આવેલા રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવીને મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બાદ રશિયા દ્વારા યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો પલટવાર (Retaliation) કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
૯૧ કિલર ડ્રોન વડે હુમલાનો પ્રયાસ: રશિયાનો દાવો
મોસ્કોના જણાવ્યા અનુસાર, યુક્રેન દ્વારા પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવવા માટે એકસાથે ૯૧ એટેક કિલર ડ્રોન મોકલવામાં આવ્યા હતા. રશિયાએ દાવો કર્યો છે કે તેની સુરક્ષા એજન્સીઓએ તમામ ડ્રોનને રસ્તામાં જ આંતરીને તેનો નાશ કર્યો છે. રશિયા આ ઘટનાને સીધી રીતે પુતિનની હત્યાના પ્રયાસ તરીકે જોઈ રહ્યું છે અને તેના કારણે હવે યુદ્ધની ગંભીરતા વધી ગઈ છે.
ઝેલેન્સ્કીનો ઈનકાર અને સામી ચેતવણી
બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાના આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે યુક્રેને પુતિનના નિવાસસ્થાન પર કોઈ હુમલો કર્યો નથી. ઝેલેન્સ્કીએ ઉલટું રશિયા પર આરોપ લગાવ્યો છે કે ક્રેમલિન પોતે જ કિવ (Kyiv) માં આવેલી સરકારી ઇમારતો અને સૈન્ય મથકો પર ભયાનક હુમલા કરવા માટે ભૂમિકા તૈયાર કરી રહ્યું છે અને આ પ્રકારના ખોટા દાવાઓ કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરી રહ્યું છે.
કાઉન્ટડાઉન શરૂ: ગમે ત્યારે થઈ શકે છે મોટો પ્રહાર
નિષ્ણાતોના મતે હવે રશિયા અને યુક્રેન વચ્ચે 'એનીથિંગ કેન હેપન' (ગમે ત્યારે ગમે તે થઈ શકે) જેવી સ્થિતિ સર્જાઈ છે. રશિયાની સેના કિવમાં આવેલી યુક્રેનની સંસદ અને અન્ય મહત્વની સરકારી ઈમારતો પર મોટા પાયે મિસાઈલ અને ડ્રોન હુમલા કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ગમે તે ઘડીએ મોસ્કો તરફથી મોટો પલટવાર થઈ શકે છે.
વિશ્વભરમાં ચિંતાનું મોજું
યુદ્ધ હવે તેના સૌથી ઘાતક તબક્કે હોવાથી વિશ્વના દેશોમાં ચિંતા વધી છે. રશિયા જે રીતે ઝેલેન્સ્કીને ટાર્ગેટ કરવાની યોજના બનાવી રહ્યું છે અને યુક્રેન જે રીતે વળતો પ્રહાર કરી રહ્યું છે, તેનાથી આ યુદ્ધ હવે સમગ્ર પૂર્વી યુરોપને લપેટમાં લે તેવી ભીતિ સેવાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
