News of Monday, 29th December 2025
ઈમાદ વસીમની પત્નીનો હૃદયદ્રાવક ખુલાસો: "૫ મહિનાના માસૂમ બાળકને પિતાનો ખોળો પણ ન મળ્યો", પાકિસ્તાની ક્રિકેટરના દગાથી ભાંગી પડ્યું સુખી ઘર
સાનિયા અશફાકે છૂટાછેડા પાછળ 'ત્રીજી વ્યક્તિ'ને ગણાવી જવાબદાર; સોશિયલ મીડિયા પર દર્દ છલકાવ્યું- "ચૂપ રહેવાનો અર્થ નબળાઈ ન સમજવો", ૬ વર્ષના સંબંધોનો કરુણ અંત

દુબઈ : પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર ઈમાદ વસીમ અત્યારે મેદાનની બહાર એક ગંભીર વિવાદમાં ફસાયા છે. થોડા દિવસો પહેલા ઈમાદે સોશિયલ મીડિયા પર પત્ની સાનિયા અશફાકથી અલગ થવાની જાહેરાત કરી હતી. હવે આ મામલે સાનિયાએ મૌન તોડ્યું છે અને ઈમાદ પર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે તેમનું હસતું-રમતું ઘર કોઈ ત્રીજી વ્યક્તિના કારણે બરબાદ થઈ ગયું છે.
સાનિયા અશફાકે એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરતા લખ્યું કે, "હું અત્યંત ઊંડી પીડા સાથે આ વાતો લખી રહી છું. મારું ઘર વિખેરાઈ ગયું છે અને મારા બાળકો પિતાના પ્રેમથી વંચિત થઈ ગયા છે. હું ત્રણ બાળકોની માતા છું, જેમાં એક ૫ મહિનાનું શિશુ પણ છે, જેને હજુ સુધી તેના પિતાનો ખોળો પણ નસીબ થયો નથી." સાનિયાએ વધુમાં ઉમેર્યું કે તેણે પરિવાર બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ અંતે હાર માનવી પડી.
સાનિયાએ સીધો આરોપ લગાવ્યો છે કે આ તલાક પાછળ એક ત્રીજી વ્યક્તિનો હાથ છે, જે ઈમાદ વસીમ સાથે લગ્ન કરવા ઈચ્છે છે. ૨૬ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ નિકાહના બંધનમાં બંધાયેલા આ કપલના ૬ વર્ષ જૂના સંબંધોનો અંત આવતા ફેન્સ પણ આઘાતમાં છે. સાનિયા દેખાવમાં અત્યંત સુંદર છે અને અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, જોકે લગ્ન બાદ તે બહુ ઓછી સક્રિય રહેતી હતી.
બીજી તરફ ઈમાદ વસીમે ગયા વર્ષે ડિસેમ્બરમાં બીજી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. T20 વર્લ્ડ કપ ૨૦૨૪ માટે તેણે નિવૃત્તિ પાછી ખેંચી હતી, પરંતુ ટુર્નામેન્ટમાં તે ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. ઈમાદે પાકિસ્તાન માટે ૫૫ વનડે અને ૭૫ T20 મેચ રમી છે અને તે ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમનો મહત્વનો હિસ્સો હતો. અત્યારે સોશિયલ મીડિયા પર સાનિયાના સમર્થનમાં લોકો પોસ્ટ કરી રહ્યા છે અને ઈમાદ વસીમ પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
