<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

રાજ્યસભાની ટર્મ પૂરી થતા જ દિગ્વિજય સિંહના તેવર બદલાયા: મોદી-આડવાણીની તસવીર શેર કરી કોંગ્રેસ હાઈકમાન્ડને આપ્યો મોટો સંકેત!

કોંગ્રેસની બેઠકમાં સંગઠનની નબળાઈ અને 'સ્લીપર સેલ'નો ઉલ્લેખ કરીને મચાવ્યો ખળભળાટ; વેણુગોપાલ સામેની નારાજગી કે પછી રાજ્યસભા બેઠક માટે 'પ્રેઝર પોલિટિક્સ'? - જાણો દિગ્ગી રાજાની નવી ચાલ પાછળનું ગણિત

ભોપાલ : કોંગ્રેસના પીઢ નેતા દિગ્વિજય સિંહ હંમેશા પોતાના વિવાદાસ્પદ અને સનસનીખેજ નિવેદનો માટે જાણીતા છે. તાજેતરમાં કોંગ્રેસની એક મહત્વની બેઠક પહેલા તેમણે સોશિયલ મીડિયા પર લાલકૃષ્ણ આડવાણીની સામે જમીન પર બેઠેલા નરેન્દ્રભાઈ  મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. આ તસવીર દ્વારા તેઓ શું સાબિત કરવા માંગે છે તે અંગે હવે જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે.
 દિગ્વિજય સિંહે કોંગ્રેસની આંતરિક બેઠકમાં પક્ષની દુર્દશા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, જો ભાજપ અને સંઘનો સામનો કરવો હોય તો વોર્ડ સ્તર સુધી સંગઠન મજબૂત હોવું જોઈએ. આ સાથે જ તેમણે પક્ષમાં 'સ્લીપર સેલ' એક્ટિવ હોવાની અને સંગઠન નબળું હોવાની વાત કહીને હાઈકમાન્ડને ચોંકાવી દીધું છે. જાણકારોનું માનવું છે કે તેમનો સીધો ઈશારો રાહુલ ગાંધીના નજીકના ગણાતા કે.સી. વેણુગોપાલ તરફ હતો, જેમના હાથમાં હાલ સંગઠનની તમામ સત્તા છે.
 વરિષ્ઠ પત્રકારોનું માનવું છે કે દિગ્વિજય સિંહના આ તેવર પાછળ એક મોટું કારણ છે. આગામી થોડા જ મહિનાઓમાં તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં હાર બાદ હવે પક્ષમાં તેમનું મહત્વ પહેલા જેવું રહ્યું નથી. મધ્યપ્રદેશના રાજકારણમાં પણ તેમને પૂરતી તવજ્જો મળી રહી નથી. આ સંજોગોમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને ફરીથી રાજ્યસભામાં જવા માટે તેઓ આ પ્રકારની રણનીતિ અપનાવી રહ્યા હોવાની ચર્ચા છે.
 એક સમયે દિગ્વિજય સિંહ રાહુલ ગાંધીના રાજકીય ગુરુ માનવામાં આવતા હતા, પરંતુ સમયની સાથે તેઓ પક્ષમાં એકલા પડી ગયા છે. ૨૦૦૮ના મુંબઈ હુમલામાં RSSનું કનેક્શન હોવાનું નિવેદન આપીને તેઓ વિવાદોમાં આવ્યા હતા. હવે જ્યારે કોંગ્રેસમાં રાહુલ વિરુદ્ધ પ્રિયંકા ગાંધીને આગળ લાવવાની માંગ ઉઠી રહી છે, ત્યારે દિગ્વિજય સિંહ કયા ખેમેમાં બેસશે તે જોવું રસપ્રદ રહેશે.
હાલમાં તો કોંગ્રેસ હાઈકમાન્ડ આ નિવેદનોને વધુ મહત્વ આપી રહ્યું નથી, પરંતુ દિગ્વિજય સિંહની આ 'મોદી-આડવાણી' વાળી પોસ્ટ અને સંગઠન સામેનો બળવો સૂચવે છે કે કોંગ્રેસમાં અંદરખાને બધું બરાબર નથી

(9:12 PM IST)