<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

ભારતના ઉડ્ડયન ક્ષેત્રની ખોટ ૧૮૦૦૦ કરોડ થશે

અગાઉના અંદાજ કરતા ખોટ બમણી થવાની ધારણા : સરહદી તણાવ, ડોલર સામે રૂપિયાનો ઘસારો, ઈન્‍ડિગોની ફલાઈટો રદ જેવા પરિબળોથી પ્રવાસી સેન્‍ટીમેન્‍ટ બગડયું

નવી દિલ્‍હી,તા.૩૦: ઈકરાએ ભારતના ઉડ્ડયન ક્ષેત્ર માટે તેના અંદાજમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે અને નાણાંકીય વર્ષ ૨૦૨૬માં નબળા વિકાસ તેમજ વધુ ખોટનું અનુમાન લગાવ્‍યું છે. રેટિગ એજન્‍સીના અંદાજ મુજબ હવે એવિયેશન ઉદ્યોગ આ નાણાંકીય વર્ષમાં રૂા. ૧૭ હજારથી ૧૮ હજાર કરોડની ખોટ કરશે, જે તેના અગાઉની અંદાજિત ૯,૫૦૦ કરોડથી ૧૦,૫૦૦ કરોડની ખોટ કરતા બમણી છે. આ ડાઉનગ્રેડ મુખ્‍યત્‍વે ધારણા કરતા ઓછા પ્રવાસી, સંચાલકીય વિક્ષેપો અને વિપરીત મુદ્રા વિનિમયને કારણે કરવામાં આવ્‍યું છે.

મુખ્‍ય ફેરફાર ઈકરા દ્વારા નાણાંકીય વર્ષ ૨૬માં હવાઈ પ્રવાસીઓની વૃદ્ધિમાં ૦થી ૩ ટકાનો ઘટાડો છે, જે તેના અગાઉના ૪થી ૬ ટકાના અનુમાન કરતા ઘણી ઓછી છે. આ ફેરફારમાં એપ્રિલથી નવેમ્‍બરના સમયગાળા દરમ્‍યાન મંદ ટ્રાફિક વિકાસનો પડઘો પડે છે, જે મુખ્‍યત્‍વે સરહદ પારની તણાવ પરિસ્‍થિતિને કારણે હતો જેના પરિણામે અનેક ફલાઈટો રદ કરવામાં આવી હતી. ઉપરાંત જૂનમાં એર ઈન્‍ડિયાના બોઈન્‍ગ ૭૮૭-૮ના અકસ્‍માતને કારણે પણ પ્રવાસીઓની માનસિકતા બદલાઈ હતી. આ દુર્ઘટના, પછી પ્રવાસીઓ થોડો સમય વિમાન પ્રવાસ માટે અચકાયા હતા.

પ્રવાસીઓ ઘટવા પાછળનું બીજુ કારણ હતું વહીવટી પડકારો, ખાસ કરીને ૩ ડીસેમ્‍બરથી ૮ ડીસેમ્‍બર દરમ્‍યાન જ્‍યારે ઈન્‍ડિગોએ લગભગ સાડાચાર હજાર ફલાઈટો રદ કરી હતી. આ રદબાતલ ભલે ઉદ્યોગના કુલ ડિપાર્ચરના માત્ર ૦.૪ ટકા હોય, ઈકરાના મતે પ્રવાસીઓની માનસિકતા પર તેની નકારાત્‍મક અસર પડી છે. ઉપરાંત બિઝનેસ પ્રવાસ પણ અમેરિકી ટેરિફ નીતિઓમાંથી સર્જાયેલી અનિヘતિતા સહિત વૈશ્વિક વલણો દ્વારા પ્રભાવિત થયો હતો.

આંતરરાષ્ટ્રીય મોરચે ઈકરાએ ભારતીય એરલાઈન્‍સ માટે હવાઈ પ્રવાસી ટ્રાફિક વિકાસના અંદાજને અગાઉના ૧૩થી ૧૫ ટકામાંથી ઘટાડીને ૭થી ૯ ટકા કર્યો. એક તરફ ભલે સ્‍થાનિક પ્રવાસી ટ્રાફિક નવેમ્‍બર ૨૦૨૫માં આગલા વર્ષ કરતા વધીને ૧.૫૪ કરોડ જેટલો થયો હોય, પણ કુલ એપ્રિલ-નવેમ્‍બર ટ્રાફિક માત્ર ૨.૨ ટકા જેટલો જ વધ્‍યો હતો.

(11:46 AM IST)