<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

બાંગલાદેશમાં વધુ એક હિન્‍દુના ઘરને બાળી નાખવામાં આવ્‍યું

પાંચ દિવસમાં સાત ઘરોને આગ ચાંપી દેવામાં આવી

પિરોજપુર, તા.૩૦: બંગલાદેશમાં ઇન્‍કિલાબ મંચના યુવા નેતા શરીફ ઉસ્‍માન હાદીની હત્‍યા બાદ હિન્‍દુ લઘુમતીઓ પર ટોળા દ્વારા કરવામાં આવેલી હિંસા ચાલુ જ છે એમાં પિરોજપુરમાં એક હિન્‍દુના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી. બંગલાદેશમાં ધાર્મિક લઘુમતીઓ પર વ્‍યાપક હુમલાના ભાગરૂપે ચટ્ટોગ્રામમાં પાંચ દિવસમાં ૭ હિન્‍દુ પરિવારોનાં ઘરોને આગ ચાંપવામાં આવી છે.

૨૭ ડિસેમ્‍બરે પિરોજપુરના ડુમરીટોલા ગામમાં સાહા નિવાસસ્‍થાનમાં અજાણ્‍યા બદમાશોએ લઘુમતીઓ પર હુમલો કરીને ઘણી રૂમમાં આગ લગાવી દીધી હતી. શંકાસ્‍પદોએ એક રૂમમાં કપડું નાખીને આગ લગાવી દીધી હતી અને આગ ઝડપથી આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી.

આ ઘટના વિશે સોશ્‍યલ મીડિયા પ્‍લૅટફૉર્મ X પર બંગલાદેશનાં લેખિકા તસ્‍લીમા નસરીને લખ્‍યું હતું કે ડુમરીટોલા ગામમાં હિન્‍દુદ્વેષી જેહાદીઓ દ્વારા સાહા પરિવારના ઘરના પાંચ ઓરડાઓ બાળી નાખવામાં આવ્‍યા હતા. વહેલી સવારે જ્‍યારે ઘરમાં બધા સૂતા હતા ત્‍યારે જેહાદીઓએ ઘરને આગ ચાંપી દીધી હતી. ચટ્ટોગ્રામના રાવઝાનમાં જેહાદીઓએ વહેલી સવારે હિન્‍દુ ઘરોમાં આગ લગાવી હતી. શું દેશના બાકીનાં બધાં હિન્‍દુ ઘરોને આ રીતે બાળી નાખવામાં આવશે? તેઓ હિન્‍દુઓને જીવતા સળગાવવા માગે છે એથી જ જ્‍યારે લોકો સૂતા હોય ત્‍યારે તેઓ આગ લગાડે છે. શું યુનુસ ફક્‍ત વાંસળી વગાડે છે?

ગયા અઠવાડિયે ચટ્ટોગ્રામ નજીક એક હિન્‍દુના ઘરને અજાણ્‍યા હુમલાખોરોએ આગ લગાડ્‍યા બાદ આ ઘટના બની છે. પરિવારના સભ્‍યોએ જણાવ્‍યું હતું કે વહેલી સવારે લાગેલી આગની ગરમીથી તેઓ જાગી ગયા હતા. શરૂઆતમાં દરવાજા બહારથી બંધ હોવાથી તેઓ અંદર ફસાઈ ગયા હતા. બન્ને પરિવારના આઠ સભ્‍યો ઍલ્‍યુમિનિયમ શીટ અને વાંસની વાડ કાપીને ભાગી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેમના ઘરનો સામાન બળી ગયો હતો અને તેમનાં પાળેલાં પ્રાણીઓ માર્યાં ગયાં હતાં. પોલીસે જણાવ્‍યું હતું કે દરોડા દરમ્‍યાન પાંચ શંકાસ્‍પદોની ધરપકડ કરવામાં આવી છે, જ્‍યારે બાકીના આરોપીઓને શોધવાના પ્રયાસ ચાલુ છે. બંગાળીમાં લખેલા ધમકીભર્યા સંદેશમાં હિન્‍દુઓ પર ઇસ્‍લામ અને મુસ્‍લિમ સમુદાય વિરુદ્ધ કળત્‍યોનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો અને જાહેર કરવામાં આવ્‍યું હતું કે જો કથિત પ્રવળત્તિઓ ચાલુ રહેશે તો બિનમુસ્‍લિમોનાં ઘરો, મિલકત અને વ્‍યવસાયોને બચાવવામાં નહીં આવે.

 

(3:07 PM IST)