News of Tuesday, 30th December 2025
ફૂટબોલનો ક્રેઝ સાતમા આસમાને: ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપ માટે ટિકિટોનો રેકોર્ડબ્રેક વરસાદ, ૧૫ કરોડથી વધુ લોકોની પડાપડી
મેક્સિકો, કેનેડા અને અમેરિકામાં રમાનારા ફૂટબોલ મહાકુંભે તોડ્યા તમામ જૂના રેકોર્ડ; ૧૦૪ મેચો અને ૪૮ ટીમો વચ્ચે જામશે જબરદસ્ત જંગ

નવી દિલ્હી, તા.૩૦ : વિશ્વના સૌથી લોકપ્રિય રમત ઉત્સવ એવા 'ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬' ને લઈને સમગ્ર વિશ્વમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફૂટબોલની વૈશ્વિક સંસ્થા FIFA એ જાહેર કરેલા આંકડા મુજબ, આગામી વર્લ્ડ કપ માટે અત્યાર સુધીમાં ૧૫ કરોડથી વધુ ટિકિટ વિનંતીઓ (Ticket Requests) પ્રાપ્ત થઈ છે. ટિકિટિંગના ઇતિહાસમાં આ એક નવો રેકોર્ડ છે, જે દર્શાવે છે કે રમતપ્રેમીઓ આ ટુર્નામેન્ટની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રેન્ડમ સિલેક્શન ડ્રોની પ્રક્રિયા ચાલુ
ટિકિટ મેળવવા માટેની 'રેન્ડમ સિલેક્શન ડ્રો' પ્રક્રિયા હાલમાં તેના મધ્ય તબક્કે પહોંચી છે. આ પ્રક્રિયા ૧૧ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી હતી અને જે આગામી વર્ષે ૧૩ જાન્યુઆરી સુધી ચાલશે. આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવવાને કારણે હવે ટિકિટ મેળવવી એ નસીબનો ખેલ બની રહેશે. ફૂટબોલ પ્રેમીઓ પોતાની મનપસંદ ટીમને મેદાન પર રમતી જોવા માટે આતુરતાથી ડ્રોના પરિણામની રાહ જોઈ રહ્યા છે.
ત્રણ દેશો અને ૧૬ શહેરોમાં મેચોનો ધમધમાટ
૨૦૨૬નો વર્લ્ડ કપ ઘણી રીતે ખાસ રહેવાનો છે. આ વખતે મેક્સિકો, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સંયુક્ત રીતે યજમાની કરી રહ્યા છે. કુલ ૧૬ શહેરોમાં પથરાયેલા અત્યાધુનિક સ્ટેડિયમોમાં મેચો રમાશે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત રેકોર્ડ ૪૮ ટીમો ભાગ લેશે, જેમના વચ્ચે કુલ ૧૦૪ મેચોનો રોમાંચક મુકાબલો જોવા મળશે.
૧૧ જૂનથી શરૂ થશે ફૂટબોલનો જાદુ
આ ભવ્ય ટુર્નામેન્ટનો પ્રારંભ ૧૧ જૂન, ૨૦૨૬ના રોજ થશે અને ફાઈનલ મેચ ૧૯ જુલાઈના રોજ રમાશે. અત્યાર સુધીના તમામ વર્લ્ડ કપની સરખામણીએ આ ઇવેન્ટ સૌથી મોટી અને સૌથી વધુ જોવાયેલી ઇવેન્ટ બનવા જઈ રહી છે. ટિકિટોની આટલી જંગી માંગે સાબિત કરી દીધું છે કે ઉત્તર અમેરિકામાં ફૂટબોલનો જાદુ માથા પર ચડીને બોલશે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
