News of Tuesday, 30th December 2025
બંગાળમાં આરપારની લડાઈ: અમિતભાઈ શાહે મમતા બેનર્જીને ઘેર્યા; કહ્યું - "માત્ર ભાજપ જ ઘૂસણખોરી રોકી શકે છે"
૨૦૨૬ની ચૂંટણીનો ગરમાવો: સરહદ પર વાડ લગાવવામાં અવરોધ ઉભો કરવાનો ટીએમસી પર આક્ષેપ; શાહે સાત પત્રોનો આપ્યો હવાલો

કોલકાતા, તા.૩૦ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કરીને ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું છે. તેમણે બાંગ્લાદેશી ઘૂસણખોરીને માત્ર રાજ્યનો જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો ગંભીર મુદ્દો ગણાવતા દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) વોટબેંકના રાજકારણને કારણે જાણી જોઈને સરહદો સીલ કરવામાં કેન્દ્રને સહકાર આપી રહી નથી.
"ડર અને ભ્રષ્ટાચાર બંગાળની નવી ઓળખ"
એક પ્રેસ કોન્ફરન્સ અને સભાને સંબોધતા શાહે જણાવ્યું કે છેલ્લા ૧૫ વર્ષના ટીએમસીના શાસનમાં પશ્ચિમ બંગાળની ઓળખ 'ભય, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરી' બની ગઈ છે. તેમણે આક્ષેપ કર્યો કે બંગાળમાં નકલી દસ્તાવેજો બનાવવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, જે દેશની સંસ્કૃતિ અને વસ્તી વિષયક સ્થિતિ માટે જોખમી છે. શાહે પડકાર ફેંકતા પૂછ્યું કે, "જો આસામ, ત્રિપુરા અને ગુજરાતમાં ઘૂસણખોરી રોકાઈ શકે છે, તો બંગાળમાં કેમ નહીં?"
વાડ લગાવવા માટે સાત પત્રો છતાં જમીન નથી મળી
ગૃહમંત્રીએ ખુલાસો કર્યો કે તેમણે પોતે મુખ્યમંત્રી મમતા બેનર્જીને સાત વખત પત્ર લખીને ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ લગાવવા માટે જમીન માંગી હતી, પરંતુ રાજ્ય સરકારે કોઈ પ્રતિસાદ આપ્યો નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી સરહદ પર વાડ નહીં હોય ત્યાં સુધી BSF અસરકારક રીતે કામ કરી શકશે નહીં. તેમણે આશ્વાસન આપ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો 'ઇન્સાન તો શું, એક પક્ષી પણ પાંખ નહીં મારી શકે' એવી મજબૂત સુરક્ષા ગ્રીડ તૈયાર કરવામાં આવશે.
મોટુઆ સમુદાયને ખાતરી અને મમતાનો પલટવાર
શાહે વિસ્થાપિતો અને ખાસ કરીને મોટુઆ સમુદાયને આશ્વાસન આપ્યું કે તેમને કોઈ બહાર કાઢી શકશે નહીં. બીજી તરફ, મમતા બેનર્જીએ આ આરોપોને ફગાવતા વળતો પ્રહાર કર્યો કે, "પશ્ચિમ બંગાળ સરકારે પહેલેથી જ ઘણી જગ્યાએ જમીન આપી દીધી છે. ભાજપ ૨૦૨૬માં ૨૦૦ બેઠકો જીતવાના સપના જોવાનું બંધ કરે. બંગાળની જનતા તેમને લોકશાહી રીતે દેશમાંથી હાંકી કાઢવાનો રસ્તો બતાવશે."
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
