News of Tuesday, 30th December 2025
ગાંધી પરિવારમાં ખુશીઓના ઘોડાપુરઃ પ્રિયંકા ગાંધીના ફોટોગ્રાફર પુત્ર રેહાનની અવિવા બેગ સાથે સગાઈઃ અંગત સમારોહમાં વીંટી પહેરાવી

નવી દિલ્હી : ગાંધી પરિવારમાં લાંબા સમય બાદ ફરી એકવાર શરણાઈના સૂર રેલાયા છે અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાની સગાઈના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અને સોશિયલ મીડિયા અહેવાલો મુજબ, રેહાન વાડ્રાએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અવિવા બેગ સાથે સગાઈ કરી લીધી છે. આ પ્રસંગે ગાંધી અને વાડ્રા પરિવારના નજીકના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અંગત સમારોહમાં સગાઈ સંપન્ન
સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, આ સગાઈ સમારોહ અત્યંત સાદગીપૂર્ણ અને ખાનગી રીતે યોજવામાં આવ્યો હતો. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પરિવારના અન્ય નજીકના સભ્યોએ હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.
રેહાન અને અવિવા છેલ્લા ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને તેઓ ઘણીવાર જાહેર કાર્યક્રમો તથા સોશિયલ મીડિયા પર સાથે જોવા મળ્યા છે.
કોણ છે અવિવા બેગ?
રેહાન વાડ્રાની મંગેતર અવિવા બેગ પણ ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અવિવા અને રેહાન બાળપણના મિત્રો હોવાનું અથવા સ્કૂલ-કોલેજ કાળથી એકબીજાને જાણતા હોવાનું મનાય છે. અવિવા બેગ એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે અને તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને હવે પરિવારે તેમના સંબંધોને સ્વીકારીને સગાઈની મહોર મારી છે.
રાજકારણથી દૂર રેહાનની ફોટોગ્રાફીમાં રુચિ
ગાંધી પરિવારનો સભ્ય હોવા છતાં, રેહાન રાજીવ વાડ્રા રાજકારણની ઝાકઝમાળથી દૂર રહેવાનું પસંદ કરે છે. ૨૩ થી ૨૪ વર્ષીય રેહાન પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં માનતો હોવાથી તેણે ફોટોગ્રાફી અને વિઝ્યુઅલ આર્ટ્સને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. તે એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે ઉભરી આવ્યો છે. તેણે પોતાની કૃતિઓના પ્રદર્શન પણ યોજ્યા છે.
થોડા સમય પહેલા ‘ડાર્ક પરસેપ્શન' અને ‘એનાટોમી ઓફ શેડો' જેવા શીર્ષક હેઠળ તેના ફોટોગ્રાફી પ્રદર્શનો યોજાયા હતા, જેની કલાજગતમાં નોંધ લેવાઈ હતી. રેહાનને જંગલોમાં ફરવું અને સ્ટ્રીટ ફોટોગ્રાફી કરવી વધુ પસંદ છે.
સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ
રેહાન અને અવિવાની તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ' અને ‘ઈન્સ્ટાગ્રામ' પર શુભચિતકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. વાયરલ થયેલી તસવીરમાં બંને ખુશખુશાલ મુદ્રામાં જોવા મળી રહ્યા છે. જોકે, પરિવાર દ્વારા હજુ સુધી લગ્નની તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં લગ્નની શરણાઈઓ વાગે તેવી શક્યતાઓ છે
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
