News of Tuesday, 30th December 2025
મનરેગાની ખામીઓ ભૂતકાળ બનશે: શિવરાજ સિંહ ચૌહાણે ‘વિકસિત ભારત - G RAM G’ બિલને રોજગાર ક્ષેત્રે ક્રાંતિકારી ગણાવ્યું
યોજનાનું નામ બદલવા પર વિપક્ષના હોબાળાનો જડબાતોડ જવાબ; પીએમ ગતિ શક્તિ સાથે જોડાણથી ગ્રામીણ આજીવિકાને મળશે નવું બળ

ભોપાલ, તા.૩૦ : કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ભોપાલમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધતા નવા પસાર થયેલા 'વિકસિત ભારત - G RAM G' બિલના ફાયદા ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ નવું મિશન જૂની મનરેગા યોજનામાં રહેલી ત્રુટીઓને દૂર કરવા અને વર્તમાન સમયની જરૂરિયાતોને પહોંચી વળવા માટે લાવવામાં આવ્યું છે. આ બિલ દ્વારા ગ્રામીણ રોજગાર અને આજીવિકાને એક નવો અને મજબૂત કાયદાકીય આધાર મળશે.
પીએમ ગતિ શક્તિ સાથે જોડાણ: નવી રણનીતિ
ચૌહાણે માહિતી આપી હતી કે, 'વિકાસ ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)' ને પ્રધાનમંત્રીની મહત્વાકાંક્ષી 'ગતિ શક્તિ' પહેલ સાથે જોડવામાં આવી છે. આ જોડાણથી યોજના વધુ અસરકારક બનશે અને પારદર્શિતા આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ મિશનમાં બેરોજગારી ભથ્થા માટે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે અને જરૂરી નાણાકીય વ્યવસ્થાને કાયદા હેઠળ સુરક્ષિત કરવામાં આવી છે, જેથી લાભાર્થીઓને સમયસર નાણાં મળી રહે.
વિપક્ષના આરોપો પર આકરા પ્રહારો
યોજનાનું નામ બદલવા અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલી ટીકાઓ પર મંત્રીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો સત્તામાં હતા, ત્યારે તેમણે પણ અનેકવાર યોજનાઓના નામ બદલ્યા હતા. તેમણે ઉમેર્યું કે લોકસભામાં આ બિલ પર ૮ કલાકથી વધુ સમય સુધી વિગતવાર ચર્ચા થઈ હતી, પરંતુ વિરોધ પક્ષના નેતા ચર્ચામાં ગેરહાજર રહ્યા અને માત્ર હોબાળો મચાવીને સંસદની ગરિમાને ઠેસ પહોંચાડી હતી.
સંઘીય માળખા અને પંજાબ સરકારનો વિરોધ
પંજાબ સરકાર દ્વારા આ કાયદા વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાના નિર્ણયને શિવરાજ સિંહ ચૌહાણે દેશના સંઘીય માળખા વિરુદ્ધ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જ્યારે સમગ્ર દેશના હિતમાં અને ગ્રામીણ યુવાનોને મજબૂત બનાવવા માટે પગલાં ભરી રહી છે, ત્યારે રાજ્ય સરકારો દ્વારા તેનો વિરોધ કરવો એ દુર્ભાગ્યપૂર્ણ છે. આ બિલનો ઉદ્દેશ્ય દરેક ગ્રામીણ પરિવારને સન્માનજનક આજીવિકા પૂરી પાડવાનો છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
