<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

બેંગલુરુ ડિમોલિશન વિવાદનો સુખદ અંત: બેઘર થયેલા પરિવારોને મળશે હાઈ-રાઈઝ એપાર્ટમેન્ટમાં આધુનિક ફ્લેટ; સીએમ સિદ્ધારમૈયાની મોટી જાહેરાત

કેરળના સીએમની ‘બુલડોઝર રાજ’ની ટીકા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ એક્શનમાં; સરકાર 11.20 લાખના ફ્લેટ પર આપશે તોતિંગ સબસિડી, લાભાર્થીએ માત્ર 2.5 લાખ ભરવા પડશે

બેંગલુરુ : બેંગલુરુના કોગીલુ વિસ્તારમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશ બાદ વિવાદોમાં ઘેરાયેલી કર્ણાટક સરકારે માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરી છે કે કોગીલુના વિસ્થાપિત પરિવારોને રઝળતા મૂકવાને બદલે તેમને બૈયપ્પનહલ્લીમાં નવનિર્મિત બહુમાળી એપાર્ટમેન્ટમાં રહેવાની સુવિધા આપવામાં આવશે. આ પગલા દ્વારા સરકારે વિપક્ષો અને પાડોશી રાજ્ય કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની ટીકાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે.

ગરીબો માટે સસ્તા આવાસ: સરકાર ઉઠાવશે મોટો ખર્ચ

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે એક ફ્લેટની કિંમત અંદાજે 11.20 લાખ રૂપિયા છે, પરંતુ ગરીબ પરિવારો પર બોજ ન પડે તે માટે 'ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી' (GBA) અને આવાસ વિભાગ તેનો મોટો હિસ્સો ભોગવશે. GBA તરફથી 5 લાખ રૂપિયાની સબસિડી અને અન્ય સરકારી યોજનાઓ હેઠળ 3 લાખ રૂપિયાની સહાય મળશે. આમ, પાત્ર લાભાર્થીઓએ માત્ર 2.5 લાખ રૂપિયા જેવી નજીવી રકમ ચૂકવવાની રહેશે, જેના માટે આવાસ મંત્રી ઝમીર અહેમદ ખાને બેંક લોનની પણ ખાતરી આપી છે.

રાજકીય ગરમાવો અને હાઈકમાન્ડની દખલ

કોગીલુમાં 167 કાચા મકાનો તોડી પાડવાની ઘટનાને કેરળના સીએમ પિનરાઈ વિજયને "બુલડોઝર રાજ" ગણાવીને લઘુમતી વિરોધી ગણાવી હતી. આ વિવાદ વધતા કોંગ્રેસ હાઈકમાન્ડે કર્ણાટક સરકારને વધુ સંવેદનશીલતાથી કામ લેવા સૂચના આપી હતી. સીએમ સિદ્ધારમૈયાએ બચાવ કરતા કહ્યું કે, "જમીન સરકારી છે અને ત્યાં કચરા નિકાલનો પ્લાન્ટ બનાવવાનો છે, પરંતુ અમે માનવતાના ધોરણે નવા વર્ષના પહેલા અઠવાડિયામાં જ ફ્લેટની ફાળવણી પૂર્ણ કરીશું."

બેંગલુરુને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવાનો સંકલ્પ

નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આકરા શબ્દોમાં કહ્યું હતું કે સરકાર બેંગલુરુને ઝૂંપડપટ્ટીમાં ફેરવવા દેશે નહીં. તેમણે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામોને મંજૂરી આપનારા અને ગરીબો પાસેથી પૈસા પડાવનારા એજન્ટો તથા બેદરકાર મહેસૂલ અધિકારીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. કોગીલુની આ જમીન પર હવે 50 ટનનો બાયોમેથેનાઈઝેશન યુનિટ અને એનિમલ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.

(4:54 PM IST)