<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

ઈરાનમાં 'ઇસ્લામિક ક્રાંતિ' સામે લોકક્રાંતિની જ્વાળા: "મુલ્લાઓ દેશ છોડો"ના નારા સાથે લાખો લોકો રસ્તા પર

આકાશને આંબતો 42% ફુગાવો અને રિયાલના ઐતિહાસિક પતને જનતાની ધીરજ ખૂટવી : તેહરાનથી મશહદ સુધી સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ : ખામેની શાસન સામે 1979 પછીનું સૌથી મોટું અસ્તિત્વનું સંકટ

તેહરાન:  ઈરાનમાં ધાર્મિક શાસનનો પાયો હચમચી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. દેશની કથળતી અર્થવ્યવસ્થા, આસમાને પહોંચેલી મોંઘવારી અને રિયાલના મૂલ્યમાં થયેલા રેકોર્ડબ્રેક ઘટાડાએ સામાન્ય ઈરાની નાગરિકોને રસ્તા પર ઉતરવા મજબૂર કર્યા છે. તેહરાનના પ્રખ્યાત ગ્રાન્ડ બજારથી શરૂ થયેલો આ વિરોધ વંટોળ હવે શિરાઝ, ઇસ્ફહાન અને મશહદ જેવા મોટા શહેરોમાં ફેલાઈ ગયો છે. પ્રદર્શનકારીઓ માત્ર આર્થિક સુધારાની માંગ નથી કરી રહ્યા, પરંતુ સીધા સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના શાસન સામે પડકાર ફેંકી રહ્યા છે. "મુલ્લાઓ દેશ છોડી દે" અને "સરમુખત્યારશાહીનો નાશ થાય" જેવા ઉગ્ર સૂત્રોચ્ચારો ઈરાનની ગલીઓમાં ગુંજી રહ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે જનતા હવે ધાર્મિક કટ્ટરતાને બદલે રોટલી અને આઝાદી ઈચ્છે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયો ઈરાનની ભયાનક સ્થિતિની ગવાહી આપી રહ્યા છે. તેહરાન હાઈવે પર એક નિઃશસ્ત્ર માનવીનું સુરક્ષા દળોની ટુકડી સામે અડગ બેસવું, વિશ્વને 1989ના તિયાનમેન સ્ક્વેરના 'ટેન્ક મેન'ની યાદ અપાવી રહ્યું છે. એકતરફ ખાદ્યપદાર્થોના ભાવમાં 72 ટકાનો વધારો થયો છે, તો બીજી તરફ તેલની આવક પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોએ ઈરાનની કમર તોડી નાખી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પુનરાગમન અને તેમની "મહત્તમ દબાણ નીતિ" (Maximum Pressure Policy) એ ઈરાની શાસન પર ચારેબાજુથી ભીંસ વધારી દીધી છે. આ કટોકટી વચ્ચે સેન્ટ્રલ બેંકના ગવર્નરનું રાજીનામું એ વાતનો પુરાવો છે કે સરકાર સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ રહી છે.

વિશ્લેષકો આ આંદોલનને 2022ના મહસા અમીનીના મૃત્યુ પછીના સૌથી મોટા જનવિદ્રોહ તરીકે જોઈ રહ્યા છે. આ વખતે આક્રોશ માત્ર સામાજિક આઝાદી પૂરતો મર્યાદિત નથી, પણ ભૂખ અને અસ્તિત્વની લડાઈ બની ગયો છે. સુરક્ષા દળો ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને બળપ્રયોગ કરી રહ્યા હોવા છતાં, લોકો "ડરશો નહીં, આપણે બધા સાથે છીએ" ના નારા લગાવી રહ્યા છે. જો આ વિરોધ પ્રદર્શનો હજુ લાંબા ચાલશે, તો ઈરાનમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછીનો સૌથી મોટો સત્તાપલટો જોવા મળી શકે છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર મધ્ય-પૂર્વના આ શક્તિશાળી દેશ પર ટકેલી છે, જ્યાં એક નાનકડી ચિંગારી ગમે ત્યારે મોટા વિસ્ફોટનું રૂપ લઈ શકે છે.

(6:11 PM IST)