News of Tuesday, 30th December 2025
ચેસના મેદાનમાં ભારતીય સ્ટારનો દબદબો: વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં અર્જુન એરિગૈસીની મજબૂત પકડ, મેગ્નસ કાર્લસન જેવા દિગ્ગજને પણ હરાવ્યો
દોહામાં પ્રથમ દિવસના અંતે ૧૦ પોઈન્ટ સાથે અર્જુન ટોચના સ્થાને; ૧૩ રાઉન્ડના હાઈ-વોલ્ટેજ ડ્રામામાં ભારતીય ખેલાડીએ વિશ્વના શ્રેષ્ઠ મગજોને હંફાવ્યા

દોહા, તા.૩૦ : કતારની રાજધાની દોહામાં રમાઈ રહેલી ૨૦૨૫ FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતના સ્ટાર ચેસ ખેલાડી અર્જુન એરિગૈસીએ વિશ્વભરના ચેસ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. સ્પર્ધાના પ્રથમ દિવસે રમાયેલા ૧૩ રાઉન્ડના અંતે અર્જુન ૧૦ પોઈન્ટ મેળવીને સંયુક્ત રીતે ટેબલ પર ટોચના સ્થાને રહ્યો છે. તેની સાથે ફ્રાન્સના મેક્સિમ વાચિયર-લાગ્રેવ અને અમેરિકાના ફેબિયાનો કારુઆના પણ રેસમાં બરોબરી પર છે.
કાર્લસન પર નાટકીય વિજય
અર્જુન એરિગૈસી માટે દિવસનો સૌથી યાદગાર અને મહત્વનો રાઉન્ડ ૧૧મો રહ્યો હતો. આ રાઉન્ડમાં અર્જુનનો મુકાબલો ચેસના લિજેન્ડ ગણાતા મેગ્નસ કાર્લસન સાથે હતો. એક અત્યંત રોમાંચક અને દબાણભરી સ્થિતિમાં અર્જુને અદભૂત ચાલ ચલીને કાર્લસનને હાર માનવા મજબૂર કરી દીધા હતા. આ જીત બાદ સોશિયલ મીડિયા પર અર્જુનની રમતની ભારે પ્રશંસા થઈ રહી છે. ૧૦મા રાઉન્ડના અંત સુધી તો અર્જુન ૮.૫ પોઈન્ટ સાથે એકલો જ મેદાન મારી રહ્યો હતો.
રોમાંચક અંતિમ રાઉન્ડ
દિવસના અંતિમ રાઉન્ડમાં પ્રવેશતી વખતે સ્થિતિ ખૂબ જ નાજુક હતી. એરિગૈસી, વાચિયર-લાગ્રેવ અને કારુઆના એમ ત્રણેય દિગ્ગજો ૯.૫ પોઈન્ટ પર ટકરાયા હતા. ટોચના બોર્ડ પર રમાયેલી અન્ય તમામ મેચો ડ્રોમાં પરિણમી હતી, જેને કારણે આ ત્રણેય ખેલાડીઓ પ્રથમ દિવસના અંતે ૧૦-૧૦ પોઈન્ટ સાથે સંયુક્ત રીતે વિજેતા પદની રેસમાં સૌથી આગળ છે. સમગ્ર દિવસ દરમિયાન અર્જુને માત્ર એક જ મેચ ગુમાવી હતી, જે જોર્ડન વાન ફોરેસ્ટ સામે હતી.
વિશ્વ ચેમ્પિયન બનવાની આશા
ભારતીય ચેસના ચાહકો હવે બીજા દિવસની રમત પર નજર રાખી રહ્યા છે. અર્જુન અત્યારે જે ફોર્મમાં રમી રહ્યો છે તે જોતા ભારતને આ વર્ષે વર્લ્ડ બ્લિટ્ઝમાં ગોલ્ડ મેડલ મળે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. અર્જુન સિવાય અન્ય ભારતીય ખેલાડીઓ પણ મજબૂત લડત આપી રહ્યા છે, પરંતુ અત્યારે તમામની નજર અર્જુન અને તેની આગામી ચાલો પર ટકેલી છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
