News of Tuesday, 30th December 2025
ઇન્ડિગોનો ‘ઉડાન’ સુધારવાનો પ્લાન: ૪,૫૦૦ ફ્લાઇટ્સ રદ થયા બાદ પાઇલટ્સને રિઝવવાનો પ્રયાસ, ભથ્થામાં તોતિંગ વધારાની જાહેરાત
નવા વર્ષથી પાઇલટ્સના લેઓવર અને ડેડહેડિંગ એલાઉન્સમાં ૧,૦૦૦ રૂપિયા સુધીનો વધારો; હજારો મુસાફરોની હાલાકી અને નિયમનકારી તપાસ બાદ એરલાઇન એક્શન મોડમાં

નવી દિલ્હી: ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન ઇન્ડિગો (IndiGo) છેલ્લા કેટલાક સમયથી ફ્લાઇટ્સ રદ થવાને કારણે વિવાદોના વંટોળમાં ફસાઈ છે. આ અંધાધૂંધીમાંથી બહાર આવવા અને પાઇલટ્સનું મનોબળ વધારવા માટે એરલાઇને હવે તેમના ભથ્થામાં વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે. ફ્લાઇટ ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ આશિમ મિત્રાએ પાઇલટ્સને મોકલેલા સત્તાવાર ઇમેઇલમાં જણાવ્યું છે કે, ૧ જાન્યુઆરી ૨૦૨૬થી નવા સુધારેલા ભથ્થા અમલી બનશે.
લેઓવર અને ડેડહેડિંગ ભથ્થામાં વધારો
નવી નીતિ મુજબ, કેપ્ટન માટે લેઓવર ભથ્થું ૨,૦૦૦ રૂપિયાથી વધારીને ૩,૦૦૦ રૂપિયા અને ફર્સ્ટ ઓફિસર્સ માટે ૧,૦૦૦ રૂપિયાથી વધારીને ૧,૫૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જ્યારે પાઇલટ્સ મુસાફર તરીકે સફર કરે છે (ડેડહેડિંગ), ત્યારે કેપ્ટનને હવે ૩,૦૦૦ના બદલે ૪,૦૦૦ રૂપિયા અને ફર્સ્ટ ઓફિસરને ૫૦૦ના બદલે ૨,૦૦૦ રૂપિયા મળશે. આ પગલા દ્વારા એરલાઇન તેના આશરે ૫,૦૦૦ પાઇલટ્સને રોકી રાખવા અને વિદેશી એરલાઇન્સ તરફ જતાં અટકાવવા માંગે છે.
૪,૫૦૦ ફ્લાઇટ્સ રદ થતા મચી હતી અફડાતફડી
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં ખરાબ રોસ્ટર પ્લાનિંગને કારણે ઇન્ડિગોએ લગભગ ૪,૫૦૦ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. જેના કારણે એરપોર્ટ પર લાખો મુસાફરો અટવાયા હતા અને ભારે હોબાળો થયો હતો. આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તપાસ સમિતિ નિમી હતી, જેણે પોતાનો અહેવાલ રજૂ કરી દીધો છે. મૂડીઝ રેટિંગ્સે પણ ચેતવણી આપી છે કે ફ્લાઇટ રદ થવા અને રિફંડને કારણે ઇન્ડિગોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.
પાઇલટ્સ સાથે વાટાઘાટો બાદ નિર્ણય
ઇન્ડિગોના ઉચ્ચ અધિકારીઓએ વિવિધ બેઝ પર જઈને પાઇલટ્સ સાથે રૂબરૂ ચર્ચા કરી હતી. પાઇલટ યુનિયનોએ કામના કલાકો અને થાક (Fatigue) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે પણ એરલાઇન્સને રાહત આપવા માટે રાત્રિ ફરજ સંબંધિત નિયમોમાં હંગામી છૂટછાટ આપી છે. હવે જોવાનું એ રહેશે કે ભથ્થામાં આ વધારા બાદ ઇન્ડિગોની ફ્લાઇટ્સનું સંચાલન ફરીથી પાટા પર આવે છે કે કેમ.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
