News of Tuesday, 30th December 2025
પાકિસ્તાન 'ફોર સેલ': દેવાના ડુંગર નીચે દબાયેલા દેશે જાણે લગાવ્યો હોય સેલ : હવે બેંકો અને હોટલોની પણ થશે હરાજી
IMFની શરતો સામે ઝૂકેલી મુનીર-શાહબાઝ સરકાર 2026 સુધીમાં પાંચ મહત્વના સરકારી વિભાગો ખાનગી હાથોમાં સોંપશે : ન્યૂયોર્કની આલીશાન હોટલથી લઈને કરિયાણાના સ્ટોર્સ સુધી બધું જ વેચીને નાદારી બચાવવા છેલ્લો દાવ

ઈસ્લામાબાદ: આર્થિક પાયમાલીના આરે ઉભેલું પાકિસ્તાન હવે પોતાની રાષ્ટ્રીય સંપત્તિઓ વેચીને અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ના ખાનગીકરણના વિવાદ બાદ, હવે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની જોડીએ 'એજન્ડા 2026' તૈયાર કર્યો છે. $131 બિલિયનના અસહ્ય દેવા અને ઐતિહાસિક મોંઘવારી વચ્ચે, પાકિસ્તાને સ્વીકારી લીધું છે કે તે હવે પોતાના સરકારી વિભાગો ચલાવવા માટે સક્ષમ નથી. આ કોઈ સામાન્ય વ્યવસાયિક વ્યૂહરચના નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા લાદવામાં આવેલી કડક શરતોનું પરિણામ છે, જેમાં નાદારી ટાળવા માટે ખાનગીકરણ સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી.
સરકારના આ 'ગ્રાન્ડ સેલ'માં પાંચ મુખ્ય ક્ષેત્રોને હરાજીના ટેબલ પર મૂકવામાં આવ્યા છે. વીજળી વિતરણ કંપનીઓ (DISCOs) જેવી કે IESCO અને FESCO ને સૌથી પહેલા વેચવાની તૈયારી છે, કારણ કે લાઇન લોસ અને વીજળી ચોરી સરકારી તિજોરીને ઉધઈની જેમ કોતરી રહી છે. આટલું જ નહીં, ન્યૂયોર્કની પ્રતિષ્ઠિત 'રૂઝવેલ્ટ હોટેલ' અને બેંકિંગ ક્ષેત્રની 'ફર્સ્ટ વુમન બેંક' જેવી સંસ્થાઓ પર પણ 'વેચાણ માટે'ના બોર્ડ લાગી ગયા છે. પાકિસ્તાન સરકાર હવે બેંકો ચલાવવાની કે કરિયાણાના સ્ટોર (યુટિલિટી સ્ટોર્સ) સંભાળવાની જવાબદારીમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈને માત્ર ટેક્સ વસૂલવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
જોકે, આ પગલાની દેશમાં તીવ્ર ટીકા થઈ રહી છે. વિપક્ષ અને આર્થિક નિષ્ણાતો આને 'સંપત્તિનું વેચાણ' નહીં પણ પાકિસ્તાનની 'સાર્વભૌમત્વની હરાજી' ગણાવી રહ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે રાષ્ટ્રીય ઓળખ સમાન સંસ્થાઓને વેચવી એ સરકારની વહીવટી નિષ્ફળતાનું વરવું પ્રદર્શન છે. આગામી બે વર્ષ પાકિસ્તાન માટે અત્યંત નિર્ણાયક છે; જો આ ખાનગીકરણ પ્રક્રિયા નિષ્ફળ જશે તો પાકિસ્તાન શ્રીલંકા કરતાં પણ ભયાનક આર્થિક પતનના માર્ગે ધકેલાઈ શકે છે. હાલમાં તો મુનીર-શાહબાઝની જોડી વિશ્વભરના રોકાણકારોને આકર્ષવા માટે મરણિયા પ્રયાસો કરી રહી છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
