News of Tuesday, 30th December 2025
બિહારના મંત્રીની 'પ્રોફેસર' બનવાની મુરાદ પર શિક્ષણ વિભાગે ફેરવ્યું પાણી: ડોક્યુમેન્ટ્સમાં વિસંગતતા મળતા નિમણૂક પર રોક
મંત્રી અશોક ચૌધરીના શૈક્ષણિક પેપર્સમાં ‘કુમાર’ અને ‘ચૌધરી’ નામનો લોચો; વિપક્ષી નેતા તેજસ્વી યાદવે સરકારને ઘેરતા પૂછ્યું- “તેમણે પરીક્ષા ક્યારે આપી?”

પટણા : બિહારના રાજકારણમાં હાલ એક અજીબોગરીબ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. નીતિશ કુમાર સરકારના વરિષ્ઠ મંત્રી અશોક ચૌધરીની સહાયક પ્રોફેસર (Assistant Professor) તરીકેની નિમણૂકને રાજ્યના શિક્ષણ વિભાગે હાલ પૂરતી અટકાવી દીધી છે. આશ્ચર્યની વાત એ છે કે, જે અશોક ચૌધરી પોતે ૨૦૧૫થી ૨૦૧૭ સુધી બિહારના શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે, તેમના જ શૈક્ષણિક દસ્તાવેજોમાં ગંભીર વિસંગતતાઓ સામે આવી છે.
નામમાં વિસંગતતા અને દસ્તાવેજોની ફેરતપાસ
૫૬ વર્ષીય મંત્રી અશોક ચૌધરીએ પોલિટિકલ સાયન્સના પ્રોફેસર બનવા માટે અરજી કરી હતી અને ૨૭૪ ઉમેદવારોની યાદીમાં તેઓ શોર્ટલિસ્ટ પણ થયા હતા. જોકે, શિક્ષણ મંત્રી સુનીલ કુમારે જણાવ્યું કે સમીક્ષા બેઠક દરમિયાન તેમના પેપર્સમાં કેટલીક ખામીઓ જણાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મંત્રીના શૈક્ષણિક પ્રમાણપત્રોમાં તેમનું નામ 'અશોક કુમાર' લખેલું છે, જ્યારે તેમના ચૂંટણી સોગંદનામામાં નામ 'અશોક ચૌધરી' દર્શાવવામાં આવ્યું છે. આ નામની અદલાબદલીને કારણે હવે આખી ફાઇલ ફરીથી તપાસ માટે બિહાર સ્ટેટ યુનિવર્સિટી સર્વિસ કમિશન (BSUSC) ને મોકલી દેવાઈ છે.
વિપક્ષના આકરા પ્રહાર: “પરીક્ષા ક્યારે આપી?”
આ મામલે બિહારમાં રાજકીય સંગ્રામ છેડાયો છે. વિપક્ષી નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે આકરા પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, “તેઓ પરીક્ષામાં ક્યારે બેઠા હતા? શું કોઈએ તેમને પરીક્ષા આપતા જોયા છે?” બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તાએ મંત્રીની ડોક્ટરેટ (PhD) ડિગ્રી પર જ શંકા વ્યક્ત કરી છે અને સરકારને કોઈ પણ દબાણ વગર નિષ્પક્ષ તપાસ કરવા વિનંતી કરી છે. વિપક્ષનો આક્ષેપ છે કે જ્યારે લાખો યુવાનો બેરોજગાર છે, ત્યારે ૫૬ વર્ષની વયે મંત્રીને નોકરી આપીને સરકાર શું સાબિત કરવા માંગે છે?
મંત્રીનો બચાવ: મારી પાસે ડિગ્રીઓ છે
જોકે, અશોક ચૌધરીએ આ તમામ આરોપોને નકારતા જણાવ્યું હતું કે તેમણે ૧૯૯૧માં પટણા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ અને ૨૦૦૫માં મગધ યુનિવર્સિટીમાંથી પીએચડી પૂર્ણ કર્યું છે. અશોક ચૌધરી ભૂતપૂર્વ મંત્રી મહાવીર ચૌધરીના પુત્ર છે અને ૨૦૧૮માં જેડીયુમાં જોડાયા તે પહેલાં તેઓ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટી કમિશન નામની આ વિસંગતતા પર શું રિપોર્ટ આપે છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
