<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

મહાયુધ્ધના ભણકારા: 2026 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થવાની શક્યતા : યુએસ થિંક ટેન્કે ચેતવણી આપી : બંને દેશોએ શસ્ત્રોની ખરીદીમાં વધારો કર્યો

યુએસ થિંક ટેન્ક CFRનો ચોંકાવનારો રિપોર્ટ: મે 2025ના 'ઓપરેશન સિંદૂર' બાદ સરહદે શાંતિ માત્ર દેખાવ પૂરતી : ભારતે ₹79,000 કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી આપી તો પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદે પણ મોરચો ખોલ્યો

નવી દિલ્હી:  ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ફરી એકવાર અત્યંત નાજુક તબક્કે પહોંચ્યા છે. અમેરિકાના પ્રતિષ્ઠિત થિંક ટેન્ક 'કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ' (CFR) એ તેના 'કોન્ફ્લિક્ટ્સ ટુ વોચ ઇન 2026' રિપોર્ટમાં ચેતવણી આપી છે કે આગામી વર્ષમાં બંને પરમાણુ સંપન્ન દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષની પૂરેપૂરી શક્યતા છે. આ તણાવનું મૂળ એપ્રિલ 2025માં પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં રહેલું છે, જેના જવાબમાં ભારતે મે મહિનામાં 'ઓપરેશન સિંદૂર' હાથ ધરીને પાકિસ્તાની આતંકી માળખાને નેસ્તનાબૂદ કરી દીધું હતું. ભલે હાલમાં યુદ્ધવિરામ હોય, પરંતુ સરહદની બંને તરફ જે રીતે સૈન્ય જમાવડો અને આધુનિક શસ્ત્રોની હોડ જામી છે, તે આવનારા મોટા તોફાનના સંકેત આપી રહી છે.

ભારત પોતાની સંરક્ષણ ક્ષમતાને અભેદ્ય બનાવવા માટે કોઈ કસર બાકી રાખી રહ્યું નથી. સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) એ તાજેતરમાં જ ₹79,000 કરોડના મેગા ડિફેન્સ સોદાને લીલી ઝંડી આપી છે. આ ખરીદીમાં ખાસ કરીને આધુનિક ડ્રોન, લાંબા અંતરની ગાઈડેડ રોકેટ સિસ્ટમ (પિનાકા) અને દુશ્મન વિમાનને હવામાં જ ફૂંકી મારતી 'અસ્ત્ર' માર્ક-2 મિસાઇલોનો સમાવેશ થાય છે. બીજી તરફ, પાકિસ્તાન પણ પોતાની હારનો બદલો લેવા માટે ચીન અને તુર્કી પાસેથી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ અને ડ્રોન મેળવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જમ્મુ ક્ષેત્રમાં છુપાયેલા 30થી વધુ આતંકીઓ શિયાળા દરમિયાન મોટી ઘટનાને અંજામ આપી શકે છે, જે યુદ્ધની ચિંગારી ચાંપવાનું કામ કરશે.

માત્ર ભારત જ નહીં, પાકિસ્તાન માટે પશ્ચિમ સરહદ પણ માથાનો દુખાવો બની ગઈ છે. ઓક્ટોબર 2025માં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થયેલી હિંસક અથડામણો બાદ હવે 2026માં આ બંને પડોશીઓ વચ્ચે પણ યુદ્ધ ફાટી નીકળવાની દહેશત છે. તાલિબાને પાકિસ્તાન પર કાબુલમાં બોમ્બમારો કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ઇસ્લામાબાદનો દાવો છે કે તાલિબાન આતંકીઓને આશરો આપી રહ્યું છે. આમ, પાકિસ્તાન હાલમાં બે મોરચે યુદ્ધની સ્થિતિમાં ફસાયેલું છે. ભારતની રણનીતિ હવે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ સ્વદેશી શસ્ત્રોને મજબૂત કરવાની છે, જેથી યુદ્ધ જેવી સ્થિતિમાં કોઈ અન્ય દેશ પર નિર્ભર ન રહેવું પડે.

(6:28 PM IST)