News of Tuesday, 30th December 2025
બાંગ્લાદેશમાં હિન્દુઓના લોહીની હોળી: મૈમનસિંઘમાં વધુ એક હિન્દુ યુવાનની કરપીણ હત્યા; સાથીદાર અંસાર સભ્યે જ બંદૂક તાકી ટ્રિગર દબાવી દીધું
યુનુસ પ્રશાસનની નિષ્ફળતા? સુરક્ષા ગાર્ડ તરીકે તૈનાત બ્રિજેન્દ્ર બિસ્વાસને જાંઘના ભાગે ગોળી મારી મોતને ઘાટ ઉતારાયો, થોડા દિવસો પહેલા જ એક યુવકને જીવતો સળગાવી દેવાયો હતો

ઢાકા : પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મૈમનસિંઘ જિલ્લામાં વધુ એક હિન્દુ વ્યક્તિ, બ્રિજેન્દ્ર બિસ્વાસની તેમના જ સાથીદાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળનું પ્રશાસન લઘુમતીઓની સુરક્ષાના મોટા-મોટા દાવાઓ કરી રહ્યું છે. બ્રિજેન્દ્ર બિસ્વાસ બાંગ્લાદેશના ગ્રામીણ અર્ધલશ્કરી દળ (અંસાર) ના સભ્ય તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાલુકા ઉપ-જિલ્લાના મહેરાબારી વિસ્તારમાં આવેલી ‘સુલતાના સ્વેટર્સ લિમિટેડ’ ફેક્ટરીમાં સુરક્ષા માટે ૨૦ જેટલા અંસાર સભ્યો તૈનાત હતા. સોમવારે સાંજે જ્યારે બધા સભ્યો રૂમમાં બેઠા હતા, ત્યારે અચાનક નોમાન મિયાં નામના સાથીદારે બ્રિજેન્દ્ર પર બંદૂક તાકી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, નોમાને બૂમ પાડી હતી કે "હું તને ગોળી મારી દઈશ" અને તરત જ ટ્રિગર દબાવી દીધું હતું. ગોળી બ્રિજેન્દ્રની જાંઘમાં વાગતા પુષ્કળ રક્તસ્ત્રાવ થયો હતો અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમણે દમ તોડ્યો હતો.
આ ઘટના બાદ સ્થાનિક હિન્દુ સમુદાયમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ આ જ જિલ્લામાં દીપુ ચંદ્ર દાસ નામના અન્ય એક હિન્દુ યુવકને ઢોર માર મારી, ઝાડ સાથે બાંધીને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. ઉપરા-ઉપરી બનતી આવી ઘટનાઓ દર્શાવે છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ હવે સુરક્ષા દળોની અંદર પણ સુરક્ષિત નથી. આરોપી નોમાન મિયાંની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હત્યા પાછળનો ચોક્કસ હેતુ હજુ અકબંધ છે.
સત્તાપલટા બાદ બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અંસાર જેવા સશસ્ત્ર દળો, જે બેંકો અને સરકારી સંસ્થાઓની સુરક્ષા કરે છે, તેમાં જ જો અંદરોઅંદર ધર્મના નામે હત્યાઓ થવા લાગે તો સામાન્ય જનતાની સુરક્ષા કોણ કરશે? આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકાર સંગઠનો આ ઘટનાની ટીકા કરી રહ્યા છે અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી રહ્યા છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
