<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

“હું સાચી સેક્યુલર છું, મને ઈફ્તાર પાર્ટીમાં જતા કોણ રોકી શકે?”: બંગાળમાં ‘દુર્ગા આંગણ’ પ્રોજેક્ટ પર મમતા બેનર્જીનો વિરોધીઓ સામે જોરદાર હુંકાર

ન્યૂ ટાઉનમાં મમતા બેનર્જીએ ‘દુર્ગા આંગણ’નો શિલાન્યાસ કરતા ભાજપે તેને ગણાવ્યો ‘ફર્જી’: દીદીએ ભાવુક થઈને કહ્યું- “હું દરેક ધર્મના કાર્યક્રમમાં જાઉં છું, તો વિરોધ કેમ?”

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ "દુર્ગા આંગણ"ને લઈને રાજ્યમાં રાજકીય વિવાદ વકર્યો છે. કોલકાતાના ન્યૂ ટાઉન વિસ્તારમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ મમતા બેનર્જીએ તેમના વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાની જાતને સાચી સેક્યુલર ગણાવતા કહ્યું કે, તેઓ તમામ ધર્મોનું સન્માન કરે છે અને દરેક તહેવારમાં સામેલ થાય છે, તેમ છતાં તેમને નિશાન બનાવવામાં આવે છે.
 આક્ષેપોથી વ્યથિત મમતા બેનર્જીએ પત્રકાર પરિષદમાં ભાવુક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “જો હું દુર્ગા પૂજાના કાર્યક્રમમાં જાઉં છું તો પણ પ્રશ્નો ઉઠાવવામાં આવે છે અને જો હું રોજા દરમિયાન ઈફ્તાર પાર્ટીમાં સામેલ થાઉં છું તો પણ મારો વિરોધ કરવામાં આવે છે. શું મારે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ન જવું જોઈએ?” તેમણે સ્પષ્ટ કર્યું કે રાજનીતિ અને ધર્મ અલગ છે અને તેઓ તમામ સમુદાયોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે.
મમતા બેનર્જીએ જે ‘દુર્ગા આંગણ’ની પાયાની ઈંટ મૂકી છે, તે આશરે ૨ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો પ્રોજેક્ટ છે. તેમાં ૫૪ મીટર ઊંચો ગર્ભગૃહ અને ૧૭૨ જેટલી મૂર્તિઓ સ્થાપિત કરવાની યોજના છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય બંગાળની દુર્ગા પૂજાની ભવ્યતાને કાયમી સ્વરૂપ આપવાનો અને પ્રવાસનને વેગ આપવાનો છે. જોકે, વિરોધ પક્ષ ભાજપે આ પ્રોજેક્ટને ‘ફર્જી’ અને ચૂંટણીલક્ષી ગણાવીને સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.
ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે મમતા સરકાર હિન્દુ મતો મેળવવા માટે આ પ્રકારના પ્રોજેક્ટ્સ લાવી રહી છે, જ્યારે વાસ્તવિકતામાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. બીજી તરફ, મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો કે ભાજપ માત્ર ભાગલા પાડવાની રાજનીતિ જાણે છે. અમિત શાહના બંગાળ પ્રવાસ પહેલા જ આ મુદ્દો જે રીતે ગરમાયો છે તે જોતા આગામી દિવસોમાં મમતા વિરુદ્ધ ભાજપનો જંગ વધુ તેજ બને તેવા એંધાણ છે

(7:45 PM IST)