<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

“જનરલ મુનીરનું પણ ઝિયા-ઉલ-હક જેવું જ મોત થશે!”: લંડનમાં પાકિસ્તાની આર્મી ચીફને મળેલી ધમકીથી હચમચી ગયું હતું ઈસ્લામાબાદ

જાણો કેરીની પેટી અને રહસ્યમય વિમાન અકસ્માતનો ખતરનાક ઈતિહાસ: બ્રિટનમાં પાકિસ્તાની મહિલાના નિવેદન બાદ પાકિસ્તાન સરકારની ઉંઘ ઉડી; ૧૯૮૮માં કેરીના ક્રેટમાં બોમ્બ મૂકીને કરાયેલી પાકિસ્તાની સરમુખત્યારની હત્યાની યાદો તાજી થઈ

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના શક્તિશાળી આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વિરુદ્ધ વિદેશની ધરતી પરથી મળેલી એક ધમકીએ પાકિસ્તાની રાજકારણ અને સેનામાં ખળભળાટ મચાવી દીધો છે. બ્રિટનમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન એક મહિલાએ જાહેરમાં ગર્જના કરી હતી કે, "અસીમ મુનીરનું ભાગ્ય પણ જનરલ ઝિયા-ઉલ-હક જેવું જ હશે." આ નિવેદન એટલું ગંભીર હતું કે પાકિસ્તાન સરકારે તાત્કાલિક બ્રિટન સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. પરંતુ, સવાલ એ થાય છે કે ઝિયા-ઉલ-હકનું મૃત્યુ કેવી રીતે થયું હતું કે જેની ધમકીથી આજે પાકિસ્તાન ધ્રૂજી રહ્યું છે?
 જનરલ ઝિયા-ઉલ-હક પાકિસ્તાનના ઈતિહાસના સૌથી ક્રૂર સરમુખત્યાર ગણાય છે. ૧૯૭૭માં તેમણે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની લોકશાહી સરકારને ઉથલાવીને સત્તા કબજે કરી હતી અને ભુટ્ટોને ફાંસીએ લટકાવી દીધા હતા. ૧૧ વર્ષ સુધી પાકિસ્તાન પર માર્શલ લો લાગુ કરી શાસન કરનાર ઝિયા-ઉલ-હકનું ૧૭ ઓગસ્ટ, ૧૯૮૮ના રોજ એક રહસ્યમય વિમાન અકસ્માતમાં મોત થયું હતું.
 ઝિયા-ઉલ-હકના મોતની વાર્તા કોઈ થ્રિલર ફિલ્મ જેવી છે. ૧૭ ઓગસ્ટના દિવસે તેઓ અમેરિકન એમ્બેસેડર સાથે બહાવલપુરમાં ટેન્કનું પ્રદર્શન જોઈને પરત ફરી રહ્યા હતા. તેમનું C-130B હર્ક્યુલસ વિમાન ઉડાન ભર્યાની માત્ર ૫ મિનિટમાં જ હવામાં ફાટીને જમીન પર તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ ૩૦ લોકોના મોત થયા હતા. એવું કહેવાય છે કે ઝિયા-ઉલ-હકને ભેટમાં મળેલી ‘કેરીની પેટીઓ’ માં વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા હતા. અન્ય એક થિયરી મુજબ, વિમાનમાં ઝેરી ગેસ છોડવામાં આવ્યો હતો, જેનાથી પાઈલટ બેભાન થઈ ગયો હતો.
 પાકિસ્તાની આર્મી ચીફ અત્યારે દેશમાં અને વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓના નિશાન પર છે. લંડનમાં મહિલા દ્વારા અપાયેલી ધમકી એ સૂચવે છે કે પાકિસ્તાની સૈન્યના વડાઓ સામે જનતામાં ભારે આક્રોશ છે. ઝિયા-ઉલ-હકનું મોત આજે પણ પાકિસ્તાન માટે એક વણઉકેલ્યું રહસ્ય છે અને તે જ ઈતિહાસના પુનરાવર્તનની વાતથી જનરલ મુનીરના હૃદયમાં ફાળ પડી છે. પાકિસ્તાની તપાસ એજન્સીઓ હવે આ મહિલા અને તેની પાછળ રહેલા સંગઠનોની તપાસ કરી રહી છે

(8:10 PM IST)