<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

બાંગ્લાદેશમાં ભીષણ તણાવ વચ્ચે ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે એસ. જયશંકર, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

ભારત વિરોધી ભાવનાઓ વચ્ચે વિદેશ મંત્રીની મુલાકાત મૈત્રીનો મોટો સંદેશ; ૨૦૧૫ની મુલાકાત યાદ કરી પીએમ મોદીએ ખાલિદા ઝિયાને બંગાળી પુનરુત્થાનના પ્રતીક ગણાવ્યા

નવી દિલ્હી: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું ૮૦ વર્ષની વયે લાંબી બીમારી બાદ ઢાકાની એવરકેર હોસ્પિટલમાં નિધન થયું છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ભારત વિરોધી દેખાવો વચ્ચે ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. વિદેશ મંત્રી એસ. જયશંકર બુધવારે બપોરે ૩ વાગ્યે ઢાકા પહોંચશે અને ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
 ખાલિદા ઝિયાના નિધનના સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ૨૦૧૫ની પોતાની ઢાકા મુલાકાતના ફોટા શેર કરતા લખ્યું કે, "બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે દેશના વિકાસ અને ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે." પીએમ મોદીએ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
બાંગ્લાદેશમાં તાજેતરના મહિનાઓમાં જે રીતે ભારત વિરોધી જુવાળ જોવા મળ્યો છે, તેવા સમયે વિદેશ મંત્રી એસ. જયશંકરની આ મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. રાજદ્વારી નિષ્ણાતોના મતે, ભારત આ મુલાકાત દ્વારા એવો સંદેશ આપવા માંગે છે કે તે બાંગ્લાદેશની જનતા અને ત્યાંના લોકતાંત્રિક મૂલ્યોની સાથે છે, પછી ભલે સત્તા પર કોઈ પણ પક્ષ હોય. ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન હવે બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન પદ માટે મજબૂત દાવેદાર મનાય છે, ત્યારે ભારતનો આ અભિગમ ભવિષ્યના સંબંધો માટે પાયાનું કામ કરી શકે છે.
બેગમ ખાલિદા ઝિયાના પાર્થિવ દેહને ૩૧ ડિસેમ્બરના રોજ અંતિમ વિદાય આપવામાં આવશે. તેમનો પરિવાર અને બીએનપીના હજારો કાર્યકર્તાઓ ઢાકામાં એકત્રિત થઈ રહ્યા છે. એસ. જયશંકરની હાજરીથી માત્ર ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ઐતિહાસિક સંબંધો જ મજબૂત નહીં થાય, પરંતુ દક્ષિણ એશિયામાં શાંતિ અને સૌહાર્દનો પણ એક મજબૂત સંકેત જશે

(9:46 PM IST)