News of Wednesday, 31st December 2025
પેરુમાં પ્રવાસીઓથી ભરેલી બે ટ્રેનો વચ્ચે ભયાનક ટક્કર: માચુ પિચ્ચુના રૂટ પર સર્જાયું મોતનું તાંડવ, ૩૦થી વધુ પ્રવાસીઓ લોહીલુહાણ
ઈન્કા કિલ્લાની સફર માતમમાં ફેરવાઈ: રેલવે કર્મચારીનું મોત, ટ્રેનોના ફુરચા બોલી ગયા, વિશ્વપ્રસિદ્ધ પુરાતત્વીય સ્થળનો રેલ વ્યવહાર ઠપ

કુઝ્કો (પેરુ), તા.૩૧: દક્ષિણ અમેરિકાના પેરુમાં આવેલ વિશ્વની સાત અજાયબીઓમાંની એક એવા માચુ પિચ્ચુ જઈ રહેલા પ્રવાસીઓ માટે મંગળવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. પહાડો અને ગાઢ જંગલો વચ્ચેથી પસાર થતી રેલવે લાઈન પર બે પ્રવાસી ટ્રેનો સામસામે અથડાતા પ્રચંડ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક રેલવે કર્મચારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ઓછામાં ઓછા ૩૦ પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
જંગલ વચ્ચે સર્જાયા યુદ્ધ જેવા દ્રશ્યો
કુઝ્કો પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત માચુ પિચ્ચુ નજીક આવેલા કોરીવાયરાચીના પુરાતત્વીય સ્થળ પાસે સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનની બારીઓના કાચ વેરવિખેર થઈ ગયા છે અને ડબ્બાઓને ભારે નુકસાન થયું છે. ઊંચા ખડકો અને લીલાછમ જંગલોની વચ્ચે અટવાયેલી આ ટ્રેનોમાં ચીસાચીસ મચી ગઈ હતી. બચાવ ટુકડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્ટ્રેચર દ્વારા ઘાયલોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.
તપાસના આદેશ અને રેલ સેવા સ્થગિત
રેલવેનું સંચાલન કરતી કંપનીએ જણાવ્યું કે, માચુ પિચ્ચુથી પરત ફરી રહેલી એક ટ્રેન સામેથી આવતી અન્ય ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત પાછળ સિગ્નલની ખામી હતી કે માનવીય ભૂલ, તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે કુઝ્કો અને માચુ પિચ્ચુને જોડતી મુખ્ય રેલ લાઈન પરની તમામ સેવાઓ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે, જેના કારણે હજારો પ્રવાસીઓ અટવાયા છે.
પ્રવાસન પર સંકટના વાદળો
માચુ પિચ્ચુ, જે ૧૫મી સદીમાં ઇન્કા સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું, ત્યાં દર વર્ષે આશરે ૧૫ લાખ લોકો મુલાકાત લે છે. મોટાભાગના પ્રવાસીઓ અગુઆસ કેલિએન્ટેસ થઈને ટ્રેન દ્વારા જ અહીં પહોંચતા હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પેરુમાં રાજકીય અસ્થિરતા અને સ્થાનિક વિરોધ પ્રદર્શનોને કારણે પ્રવાસન પ્રભાવિત થયું છે. આ અકસ્માતે મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલિયા નિશાન ઉભા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, જે પ્રવાસીઓ ટ્રેનનો ઉપયોગ નથી કરતા તેઓ ચાર દિવસનું કઠિન ટ્રેકિંગ કરીને ઓલન્ટાયટામ્બોથી પગપાળા માચુ પિચ્ચુ પહોંચે છે, પરંતુ ટ્રેન એ અહીં પહોંચવા માટેનો સૌથી લોકપ્રિય અને સરળ માર્ગ છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
