News of Wednesday, 31st December 2025
મની લોન્ડરિંગના 'કાળા ખેલ' પર ઈડીનો શિકંજો : કરોડોની રોકડ અને હીરા-ઝવેરાત ભરેલી સુટકેસો મળી
હરિયાણા અને યુપીમાં આતંક મચાવનાર ઈન્દ્રજીત યાદવના નેટવર્ક પર દરોડા : ૧૫થી વધુ FIR બાદ EDએ ૫ કરોડથી વધુની રોકડ અને ૮ કરોડના દાગીના જપ્ત કરી ખળભળાટ મચાવ્યો

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગના એક હાઈ-પ્રોફાઈલ કેસમાં ઓપરેશન હાથ ધરીને ગુનાખોરીની દુનિયામાંથી જમા કરાયેલું અબજોનું સામ્રાજ્ય ખુલ્લું પાડ્યું છે. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ શરૂ થયેલું આ સર્ચ ઓપરેશન ઈન્દ્રજીત સિંહ યાદવ, એપોલો ગ્રીન એનર્જી લિમિટેડ અને તેમના સાથીદારો વિરુદ્ધ કેન્દ્રિત હતું. નવી દિલ્હીના પોશ વિસ્તાર સર્વપ્રિયા વિહારમાં જ્યારે તપાસ ટીમ ત્રાટકી, ત્યારે દ્રશ્યો કોઈ ફિલ્મી સ્ટોરી જેવા હતા. બંદૂકની અણીએ ખંડણી વસૂલવા અને ગેરકાયદે લોન સેટલમેન્ટના કાળા કારોબારમાંથી મેળવેલી સંપત્તિનો પહાડ જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.
દરોડા દરમિયાન EDને ઇન્દરજીત સિંહ યાદવના સાથી અમન કુમારના ઠેકાણેથી ₹૫.૧૨ કરોડની જંગી રોકડ મળી આવી છે. આ રોકડ એટલી મોટી માત્રામાં હતી કે તેને ગણવા માટે બેંક અધિકારીઓને ખાસ ગણતરી મશીનો સાથે બોલાવવા પડ્યા હતા. આટલું જ નહીં, સોના અને હીરાના કિંમતી દાગીનાથી ભરેલી સુટકેસો પણ મળી આવી છે, જેની બજાર કિંમત આશરે ₹૮.૮૦ કરોડ આંકવામાં આવી રહી છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા નોંધાયેલી ૧૫થી વધુ FIR અને ચાર્જશીટ આ કાર્યવાહીનો મુખ્ય આધાર બની છે, જેમાં આર્મ્સ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયેલા છે.
તપાસમાં માત્ર રોકડ જ નહીં, પરંતુ અંદાજે ₹૩૫ કરોડની બેનામી મિલકતોના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ચેકબુક અને મિલકતના કાગળો ભરેલી બેગ સૂચવે છે કે આ મની લોન્ડરિંગનું નેટવર્ક ઘણું ઊંડું ફેલાયેલું છે. અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને EDના અધિકારીઓ આ કૌભાંડના અન્ય છેડાઓ તપાસી રહ્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા માથાઓની ધરપકડ અને સંપત્તિ જપ્ત થવાની પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે ગુનાહિત જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
